કાળઝાળ ગરમીઃ જવાબદાર આપણે જ છીએ
આઈપીસીસીનો રિપોર્ટ સ્પષ્ટપણે કહે છે કે ભારતે આ દાયકામાં પોતાનું કોલસા આધારિત વીજળી ઉત્પાદન ઘટાડવા પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે તો જ સરેરાશ વૈશ્વિક તાપમાન ઘટશે
વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર જાેવા મળી રહી છે જેનુ પ્રમુખ કારણ મનુષ્ય જ છે કુદરત સાથે છેડછાડ કરી શહેરી વિસ્તારોને વિકસાવવામાં આવી રહયા છે. ગામડાઓ ભાંગી રહયા છે ત્યારે વૃક્ષોનો પણ નાશ થઈ રહયો છે સાથે સાથે પેટાળમાંથી ખનીજ કાઢવાની કામગીરીના કારણે વ્યાપક પ્રમાણમાં કુદરતી હોનારતો સર્જાઈ રહી છે.
દેશમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં વધી રહયું છે જેના પરિણામે ગરમી અસહ્ય રીતે વધવા લાગી છે. આજે ભારત દેશમાં હીટવેવ જાેવા મળી રહયો છે. અમદાવાદમાં પારો ૪૩ ડીગ્રીને પાર કરી રહયો છે જે સારા સંકેત નથી હજુ પણ આગામી દિવસોમાં અસહ્ય ગરમી પડવાની દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.
વાતાવરણ સંતુલિત કરવામાં નહી આવે તો કપરા પરિણામો વિશ્વભરને ભોગવવા પડશે. તેમાય ખાસ કરીને વિશ્વ યુધ્ધના ભણકારા વાગી રહયા છે ત્યારે પરમાણુ બોંબનો હુમલો થયો તો વાતાવરણમાં ગરમી ખુબ જ વધી જશે તેથી હજુ પણ મનુષ્યને સમજવાની જરૂર છે.
ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં જ પૂર્વાનુમાન વ્યકત કર્યું હતું કે દિલ્હી અને ભારતના બીજા અનેક વિસ્તારોમાં સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન ભયાનક અને અંગ દઝાડતી લૂ અથવા ગરમ પવન ફૂંકાશે. આપણે માર્ચમાં મોટા ભાગનો સમય ઠંડીનો અહેસાસ કર્યો હતો અને એપ્રિલની શરૂઆત થતાં જ સીધા કાળઝાળ ગરમીની સિઝનમાં પ્રવેશી ગયા. પ્રત્યક્ષ રીતે અનુભવાઈ રહેલું આ પરિવર્તન હકીકતમાં તો ખૂબ જ ચિંતાજનક છે.
તાજેતરમાં જારી થયેલા ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન કલાઈમેટ ચેન્જ (આઈપીસીસી)ના મૂલ્યાંકન રિપોર્ટમાં ગ્લોબલ વોર્મિંગને કાબૂમાં કરવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ રિપોર્ટ અને તેના ઉપાયો અનુસાર ભારત અને સમગ્ર વિશ્વએ તમામ ક્ષેત્રોમાં ડીકાર્બોનાઈઝેશન (કાર્બન ઉત્સર્જન ઘટાડવું) માટે ઝડપથી આગળ વધવું જાેઈએ.
આઈપીસીસીનો રિપોર્ટ છેલ્લા છ- સાત વર્ષમાં એક વ્યવસ્થિત વૈજ્ઞાનિક અનુસંધાન પાસેથી મેળવવામાં આવેલા તથ્યોનું મુલ્યાંકન કરે છે. આઈપીસીસીના ત્રણ કાર્યસમૂહ (વર્કિંગ ગ્રૃપ) ત્રણ પાસાં જળવાયુ વિજ્ઞાન અને પ્રભાવ, અનુકૂલન અને સુભેદ્યતા (આઈએવી) અને શમન (મિટિગેશન)નો અભ્યાસ કરે છે.
ઉત્સર્જન સીમિત કરવાના વિકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્રીજા કાર્યસમૂહના મૂલ્યાંકનમાં સૌથી વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે સમગ્ર વિશ્વએ ર૦૧૯ અને ર૦૩૦ દરમિયાન પોતાનું ઉત્સર્જન ઘટાડીને લગભગ અડધું કરવાની જરૂર છે, જેથી વર્ષ ૧૮પ૦ની સરખામણીએ સરેરાશ વૈશ્વિક તાપમાનનો વધારો ૧.પ ડિગ્રી સેલ્શિયસ સુધી સીમિત કરવાની ઉચિત અવસર મળી શકે. ઉત્સર્જનનું વર્તમાન સ્તર જાેઈએ તો હાલ સમગ્ર વિશ્વ ર.પથી ૩.૪ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેના તાપમાન વધારાના રસ્તા પર આગળ વધી રહ્યું છે.
આ વાતથી તેના પ્રભાવનું અનુમાન લગાવી શકાય છે કે વારંવાર ગરમ પવન કે લૂ ફૂંકાય છે. વિનાશક ચક્રવાતો આવે છે અથવા તો અન્ય જળવાયુ આપદાઓ ભારત સહિત દુનિયાભરને ઘમરોળી રહી છે. આ તમામ વૈશ્વિક તાપમાનમાં ફકત ૧.૧ ડિગ્રી સેલ્સિયસના વધારાનું પરિણામ છે.
આઈપીસીસીના મૂલ્યાંકન અનુસાર આ દાયકામાં અને તેનાથી આગળના સમયમાં ગ્લોબલ વોર્મિંગને સીમિત કરવાના ઉપાયોમાં ઝડપ લાવવા માટે કેટલાંક ખાસ પગલા ભરવાની જરૂર છે. તાપમાનના વધારાને ૧.પ ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવામાં જાે કાર્બન, કેપ્ચર અને સ્ટોરેજ (સીસીએસ) ટેકનિક સામેલ નહીં કરીએ તો આવા સંજાેગોમાં વર્ષ ર૦૩૦ સુધીમાં કોલસાની વૈશ્વિક ખપતને ઓછામાં ઓછી ૬૭ ટકા સુધી ઘટાડવી પડશે.
વર્ષ ર૦પ૦ સુધીમાં કુલ ઉર્જામાં વીજળીની ભાગીદારી ૪૮ ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. વર્ષ ર૦પ૦ સુધીમાં ઉત્પાદિત સંપૂર્ણ વીજળીનું ઉત્પાદન ઓછામાં ઓછા કાર્બન સ્ત્રોતોથી કરવું પડશે.
સંક્ષિપ્તમાં કહીએ તો આઈપીસીસીના મૂલ્યાંકનનો એ અર્થ છે કે દુનિયા ૧.પ ડિગ્રી સેલ્સિયસનું લક્ષ્ય મેળવી શકે તેના માટે ભારતની ઉર્જા પ્રણાલીઓમાં મોટાપાયે ફેરફાર કરવાની જરૂર છે. ભારતની ઉર્જા સંબંધિત જરૂરિયાતો મહંદશે કોલસા પર જ નિર્ભર છે.
ભારતના ૭પ ટકાથી વધુ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાતી ઉર્જા અને વીજળી ઉત્પાદન જવાબદાર છે. ખાસ કરીને તેનું કારણ વીજળી ઉત્પાદન અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં કોલસાનો ઉપયોગ છે. ભારતના ૮પ ટકા કરતાં પણ વધુ કોલસાનો ઉપયોગ વીજ ક્ષેત્રમાં થાય છે. આઈપીસીસીનો રિપોર્ટ સ્પષ્ટપણે કહે છે કે ભારતે આ દાયકામાં પોતાનું કોલસા આધારિત વીજળી ઉત્પાદન ઘટાડવા પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે.
અંતમાં આઈપીસીસીનું મૂલ્યાંકન જણાવે છે કે કાર્બન પ્રાઈસિંગ (કાર્બન મૂલ્ય નિર્ધારણ) જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોને રોકવા માટે એક મહત્વપૂર્ણ સાધન બની શકે છે. ભારત પોતાનું ઘરેલુ કાર્બન માર્કેટ તૈયાર કરવા ઈચ્છે છે એવા સંજાેગોમાં આ મહત્વનું બની રહે છે. આ દિશામાં પહેલાંથી જ પ્રયત્ન શરૂ થઈ ગયા છે અને બ્યુરો ઓફ એનર્જી ઓફિશિયન્સી (બીઈઈ) તેનું નેતૃત્વ કરી રહ્યો છે.
કાર્બન ઉત્સર્જનની કિંમત નકકી કરવાના પ્રયાસ પણ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. આઈપીસીસીનું મૂલ્યાંકન ભારત માટે કડક શબ્દોમાં ચેતવણી પણ છે, જેની આપણે સૌએ ગંભીરતાથી નોંધ લેવી જ પડશે. વિકાસની આંધળી દોટ આવનારી પેઢી માટે મુસીબત ન બને તે જાેવાની જવાબદારી આપણી જ છે.