Western Times News

Gujarati News

વિશ્વ વેટરનરી દિવસે વડોદરા જિલ્લા પંચાયતની પશુપાલન શાખા  દ્વારા પશું આરોગ્ય કેમ્પનું આયોજન

આજે વિશ્વ વેટરનરી દિવસ – ૨૦૨૨

વર્લ્ડ વેટરનરી અસોસીએશન દ્વારા વર્ષ ૨૦૦૧ થી સમગ્ર વિશ્વમાં એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વિશ્વ વેટરનરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વડોદરા જિલ્લામાં ગત વર્ષે ૧,૦૫,૬૫૦ પશુઓની સારવાર :  ૮૦,૯૧૫ પશુઓનું રસીકરણ

ગ્રામ્ય કક્ષાએ  ૨૦૮ પશુ આરોગ્ય મેળામાં ૪૧,૬૮૩ પશુઓને વિનામૂલ્યે સારવાર

આ વર્ષે Strengthening veterinary resilience થીમ હેઠળ વિશ્વ વેટરનરી દિવસની ઉજવણી કરાશે

આલેખન – બી.પી. દેસાઈ

વડોદરા, વર્લ્ડ વેટરનરી અસોસીએશન દ્વારા વર્ષ ૨૦૦૧ થી સમગ્ર વિશ્વમાં એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વર્લ્ડ વેટરનરી ડે (વિશ્વ વેટરનરી દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસની ઉજવણી માટે દર વર્ષ માટે એક થીમ પસંદ કરવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસનો મુખ્ય હેતુ પશુ સ્વાસ્થ્ય વિશે જાગૃતતા ફેલાવવાનો અને પ્રાણી ક્રુરતા નિવારણ માટે યોગ્ય પગલા લેવાનો છે.

વિશ્વ વેટરનરી દિવસ જવાબદારી પૂર્વક પાલતુ પશુઓને ઉછેરવા અને પાલતુ પશુ પ્રત્યે સંવેદનશીલતાનો પણ સંદેશ આપે છે.આ વર્ષે વિશ્વ વેટરનરી દિવસ – ૨૦૨૨ અંતર્ગત “Strengthening veterinary resilience” થીમ પસંદ કરવામાં આવી છે. આ થીમ મુજબ પશુચિકિત્સા ડોક્ટર્સને ચિકિત્સા ક્ષેત્રે તમામ પ્રકારની મદદ અને સંસાધનો પૂરા પાડવા અને પશુચિકિત્સા ક્ષેત્રે ડોક્ટર્સ દ્રારા આપવામાં આવેલ યોગદાન બદલ તેમને સન્માનિત કરવામાં આવશે.

ગુજરાત સરકાર પશુપક્ષીઓ સંભાળ માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે. ખાસ કરીને કરુણા એમ્બયુલન્સની સેવા ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક ૧૦ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના વેટનરી સેવામાં અસરકારક સાબિત થઈ રહ્યા છે. વડોદરા જિલ્લામાં આવા ફરતા પશુ દવાખાનાની સંખ્યા ૧૭ છે.

પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા દ્રારા વડોદરા જિલ્લામાં મોટા પશુઓ (ગાય, ભેંસ) ને વિના મુલ્યે ખરવાસા-મોવાસા રોગ વિરોધી રસી આપવાનો કાર્યક્રમ પણ આ સમયગાળા દરમ્યાન યોજવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં  ગત વર્ષ: ૨૦૨૧-૨૨ દરમિયાન પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા અંતર્ગત કાર્યરત ૩૨ પશુ સારવાર સંસ્થાઓ દ્રારા ૧,૦૫,૬૫૦ પશુઓને સારવાર, ૧૨૪૭ પશુઓનું ખસીકરણ, ૮૦,૯૧૫ પશુઓનું રસીકરણ, ૧૦,૧૦૬ પશુઓને કૃત્રિમ બીજદાન, ૨૦૮ ગ્રામ્ય કક્ષાએ યોજવામાં પશુ આરોગ્ય મેળામાં ૪૧,૬૮૩ પશુઓને સારવાર પૂરી પાડવામાં આવી છે.

વિશ્વ વેટરનરી દિવસ ૨૦૨૨ અને તેની થીમનો યોગ્ય અમલ કરવાના હેતુથી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી દ્રારા વડોદરા જિલ્લા ખાતે આવેલ પાલતુ પશુઓ (શ્વાન, બિલાડી વિગેરે), રખડતા પશુઓ અને લાઇવ સ્ટોક પશુઓ (ગાય, ભેંસ, બકરી, ઘેંટા, વિગેરે) ને પશુ આરોગ્ય મેળા અંતર્ગત નિ:શુલ્ક સારવાર અને રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો છે

જે અંતર્ગત હડકવા રોગ વિરોધી રસીકરણ, કૃમિનાશક દવા, મેડીસીન કેસની વિના મુલ્યે સારવાર પશુ દવાખાના ભુતડીઝાંપા, વડોદરા ખાતે આવતીકાલ તા:૩૦-૦૪-૨૦૨૨ (શનિવાર) ના રોજ સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.