ખંભાતમાં અકીકના ૧૯ ગેરકાયદે કારખાના પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું
ખંભાત, ખંભાતમાં ગેરકાયદેસરના દબાણો દુર કરવા બાબતે તંત્રએ સપાટો બોલાવ્યો છે. ખંભાત દરિયાકાંઠે આવેલ સબજેલની સામેના દબાણો દુર કરવા અર્થે બુલડોઝર ફેરવી દીધું છે. ૧૯ જેટલા અકીક કારખાનાને નોટીસ પાઠવી દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણો દૂર કરતા સમયે એસ.પી. સહિત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
ખંભાત વોર્ડ નં.૧ના મેન્ટેનન્સ સર્વેયરના રીવ્યુ ર૦.૪.રર ના માપણી શીટ તથા મે. સ. દ્વારા રજૂ થયેલ રિપોર્ટના આધારે સીટી સર્વે નં.૮૭૪ વાળી સરકારી જમીનમાં અનઅધિકૃત રીતે દબાણ જણાઈ આવતા સીટી સર્વે સુપ્રિ. અને અધિક મામલતદારે નોટિસ પાઠવી દબાણ જાે માલિકી કે કાયદેસરના હક્કના હોય તો દિન ૩માં તે અંગેના પુરાવા રજુ અથવા લેખિત રજુઆત કરવા જણાવ્યું હતું.
ત્યારબાદ મામલતદાર કચેરીએ સુનાવણી યોજાઈ હતી જેમાં પુરાવા સાથે લેખિત રજુઆતો પણ કરવામાં આવી હતી. સુનાવણી પૂર્વે તમામ દબાણો પરથી મીટર હટાવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ અકીકના કારખાનામાંથી સ્વયંભુ સાધન સામગ્રી હટાવી દીધી હતી.
ખંભાત પ્રાંત અધિકારી, સીટી સર્વે સુપ્રિ, મામલતદાર, ચીફ ઓફિસર, ડીવાયએસપી, પી.આઈ. પી.એસ.આઈ સહિત પોલીસ કાફલાની હાજરીમાં દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તંત્રએ નોટીસ પાઠવી ર૮મી એપ્રિલના રોજ ૧૧ કલાકે હક્ક માલિકી અંગેના પુરાવા કે લેખિત રજુઆત કરવા જણાવ્યું હતું.ે
મામલતદાર કચેરીએ સદર બાબતે સુનાવણી યોજાઈ હતી. પરંતુ તે પૂર્વે જી.ઈ.બી. વિભાગ દ્વારા તમામ કારખાના પરથી મીટરો હટાવી દેવાયા હતા. આ અંગે સીટી સર્વે સુપ્રિ.ને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, મીટર હટાવવા બાબતે અમે કોઈને પણ જાણ કરી નથી.
ખંભાત સબજેલની સામે આવેલા અકીક કારખાના આવેલા છે. ૧૭ જેટલા નાના એકમો પર ર૦૦ જેટલા હિન્દુ, મુસ્લિમ કારીગરો અકીકનું કામ કરી રોજીરોટી મેળવતા હતા જેમાં ર૦ જેટલી હિન્દુ મહિલાઓ પણ કામ કરી રોજગારી મેળવતી હતી પરંતુ રાજકીય ઈશારાથી તંત્રએ ગરીબ મજુરીયાત વર્ગનો કોળિયો પણ છીનવી લીધો છે.