સરકાર લોકોને વેક્સિન લેવા માટે મજબુર કરી શકે નહીં: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિને વેક્સિન લેવા માટે દબાણ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કેટલીક રાજ્ય સરકારો અને સંસ્થાઓ દ્વારા જાહેર સ્થળોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોના પ્રવેશ પર લાદવામાં આવેલી શરતો યોગ્ય નથી. વર્તમાન સંજોગોમાં એને પરત લેવો જાઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વ્યક્તિને વેક્સિનેશન માટે દબાણ કરી શકાય નહીં.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ બીઆર ગવઈની ખંડપીઠે સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે આર્ટિકલ 21 હેઠળ વ્યક્તિની શારીરિક અખંડિતતાને મંજૂરી વીના ભંગ કરી શકાય નહીં. આવી સ્થિતિમાં દેશમાં વેક્સિનેશનને ફરજિયાત કરી શકાય નહીં.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે તે સંતુષ્ટ છે કે હાલની વેક્સિન નીતિને ગેરવાજબી અને સ્પષ્ટપણે મનસ્વી કહી શકાય નહીં. SCનું કહેવું છે કે સરકાર માત્ર નીતિ બનાવી શકે છે અને જનતાના ભલા માટે કેટલીક શરતો મૂકી શકે છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્રને COVID-19 વેક્સિનેશનની પ્રતિકૂળ અસરો અંગેના ડેટાને સાર્વજનિક કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે સરકાર વિશાળ જાહેરહિતમાં નીતિ બનાવી શકે છે અને કેટલીક શરતો લાદી શકે છે. તમને જણાવી દઈએ કે કોવિડ વેક્સિનેશનની ફરજિયાત જરૂરિયાતને ગેરબંધારણીય જાહેર કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન આ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.