એપ્રિલમાં રેકોર્ડ રૂ 9.83 લાખ કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા
મુંબઇ, ભારતમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સતત નવા રેકોર્ડ બનાવી રહ્યુ છે. એપ્રિલમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઇ) થકી અત્યાર સુધીના સૌથી વધુ 5.58 અબજ યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 9.83 લાખ કરોડની લેવડદેવડ થઇ છે.
ગત માર્ચમાં પહેલી યુપીઆઇ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 5 અરબને સ્પર્શી હતી અમે માસિક ધોરણે એપ્રિલમાં ટ્રાન્ઝેક્શન વોલ્યૂમ 3.33 ટકા અને વેલ્યૂમાં 2.36 ટકાનો વધારો નોંધાયો છે.
માર્ચમાં રૂ. 9.6 લાખ કરોડની રકમના 5.4 અબજ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થયા હતા. તો ફેબ્રુઆરીમાં 4.52 અબજ યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 8.26 લાખકરોડની ઓનલાઇન લેવડદેવડ થઇ હતી. વાર્ષિક ધોરણે એપ્રિલમાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શનનું વોલ્યુમ 111 ટકા અને વેલ્યૂ 100 ટકા વધી છે. એપ્રિલ 2021માં 2.64 અબજ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 4.93 લાખ કરોડનું યુપીઆઇ પેમેન્ટ થયુ હતુ.
કોરોના મહામારીની બીજી લહેરને કારણે ગત વર્ષે એપ્રિલમાં યુપીઆઇ પેમેન્ટમાં ઘટાડો થયો હતો પરંતુ ત્યારબાદ ટ્રાન્ઝેક્શન સતત વધી રહ્યા છે. હકીકતમાં કોરોના મહામારીથી દેશમાં ઇ-પેમેન્ટને મોટું પ્રોત્સાહન મળ્યુ છે.
સમગ્ર નાણાંકીય 2022માં કુલ 46 અબજથી વધારે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થયા હતા જેમાં રૂ. 84.17 લાખ કરોડથી વધારે રકમનું ઓનલાઇન પેમન્ટ કરાયુ હતુ. તો નાણાંકીય વર્ષ 2021માં 22.28 અબજ યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 41.03 લાખ કરોડની ઓનલાઇન લેવડદેવડ કરવામાં આવી હતી.