ઈમરાન ખાન પર ઈશનિંદા મુદ્દે FIR: ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલી હવે વધી રહી છે. મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.
પીએમ શહબાઝ શરીફની વિરુદ્ધમાં નારા લગાવવા મામલે ઈમરાન ખાન સહીત 150 લોકોની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. શાસક પક્ષ પીએમએલ-એન સમર્થકોનું કહેવું છે કે, મદીનામાં જે પણ થયું તે ઈમરાન ખાનની પાર્ટીના ઈશારે થયું હતું.
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ તરફથી મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ પીએમ ઈમરાન ખાનની મદીનામાં નારા લગાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, આ જ સપ્તાહમાં સાઉદીના મદીનામાં શહબાઝ શરીફ અને તેમના પ્રતિનિધિમંડળની વિરુદ્ધમાં ચોર-ચોરના નારા લગાવવામાં આવ્યા હતા. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ નારા પૂર્વ પીએમ ઈમરાન ખાનના ઈશારે લગાવવામાં આવ્યા હતા.
ગયા શનિવારે રાત્રે પાકિસ્તાનના ફૈસલાબાદમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ અને પૂર્વ પીએમ ઈમરાન ખાન, તેમની સરકારમાં મંત્રી રહેલા ફવાદ ચૌધરી અને પૂર્વ પીએમ શાહબાઝ ગૂલના પૂર્વ સલાહકાર શેખ રશીદ, નેશનલ એસેમ્બલીના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી, લંડનમાં ઈમરાન ખાનના નજીકના સહયોગી અનિલ મૂસરત અને સાહિબજાદા જહાંગીર સહીત 150 અન્ય લોકોની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.