Western Times News

Gujarati News

બુકીઓને ઝડપી પાડવા માટે પોલીસની હોટલ અને ગેસ્ટ હાઉસ પર બાજ નજર

અમદાવાદના બુકી અન્ય રાજ્યમાં જતા રહ્યા છે જ્યારે બહારગામના બુકીઓએ અમદાવાદની હોટલો બુક કરાવી છેઃ એરપોર્ટ પોલીસે પાટણના બે બુકીની હોટલમાંથી ધરપકડ કરી

(એજન્સી) અમદાવાદ,  આઇપીએલની સિઝન ચાલી રહી છે ત્યારે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ ખેલી તેમજ બુકીઓને પકડવા માટે સજ્જ થઇ ગયા છે. અમદાવાદના ખૂણેખૂણેથી પોલીસ ક્રિકેટ પર સટ્ટો રમતા ખેલીઓને ઝડપી રહી છે ત્યારે હોટલ તેમજ ગેસ્ટહાઉસમાં બેઠા બેઠા સટ્ટો રમાડતા બુકીઓને પણ ઝડપી લેવામાં આવી રહ્યા છે.

એરપોર્ટ પોલીસે ગઇકાલે હાંસોલ પાસે આવેલી એક હોટલના રૂમમાંથી આઇપીએલ પર સટ્ટો રમાડતા પાટણના બે બુકીની ધરપકડ કરી લીધી છે. મોટાગજાના બુકીઓને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચે અમદાવાદ ફરતે આવેલી તમામ હોટલો અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ કરી રહ્યા છે.

આઇપીએલ શરૂ થાય એટલે બુકી અને ખેલીઓ પોતપોતાની રીતે સટ્ટો ખેલવાની સુવિધા કરી લેતા હોય છે. આઇપીએલ શરૂ થઇ ત્યારથી અમદાવાદના લિસ્ટેડ બુકી ગોવા, રાજસ્થાન, દિલ્હી સહિતની જગ્યા પર પહોંચી ગયા છે. જ્યારે ખેલીઓ અમદાવાદમાં ખૂણેખૂણે રમી રહ્યા છે. પોલીસે બુકીઓ સુધી પહોંચવા માટે ખેલીઓને પોતાનું હથિયાર બનાવી દીધુ છે.

કોઇપણ પાન પાર્લર, કારમા કે પછી કાફે સહિતની જગ્યા પર યુવક સતત મોબાઇલ ફોનમાં એક્ટિવ રહેતો હોય તો પોલીસ તેની અટકાયત કરીને આઇપીએલમાં સટ્ટો રમતો હોવાનો પર્દાફાશ કરે છે અને બાદમાં તેણે મેચની આઇડી કયા બુકી પાસેથી લીધી હતી તેના સુધી પહોંચી જાય છે.

અમદાવાદના બુકીઓ અન્ય રાજ્યોમાં પહોંચી ગયા છે ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરમાં રહેતી બુકીઓએ અમદાવાદમાં ધામા નાખ્યા છે ગઇકાલે એરપોર્ટ પોલીસે પાટણના બે બુકીની ધરપકડ કરી છે. જે હાંસોલ ખાતે આવેલી હોટલમાં આઇપીએલ પર સટ્ટો રમાડી રહ્યા હતા.

એરપોર્ટ પોલીસને બાતમી મળી હતી કે હાંસોલ સર્કલ ખાતે આવેલી મહેર ઇન નામની હોટલના રૂમ નંબર-૨૦૩માં બે યુવક છેલ્લા ઘણા દિવસથી રોકાયા છે અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યા છે. બાતમીના આધારે એરપોર્ટ પોલીસની ટીમે મહેર ઇનામા પહોંચી ગઇ હતી,

જ્યાં તેણે વિમલ મિસ્ત્રી ( રહે. યશ વિહાર બંગલો, પાટણ) અને ધવલ સોલંકી (રહે. યશ વિહાર બંગલો, પાટણ) અને ધવલ સોલંકી (રહે. મહર્ષિ રેસીડેન્સી, પાટણ)ની અટકાયત કરી લીધી હતી. બંને જણા મોબાઇલ એપ્લિકેશન મારફતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ રહેલી મેચ પર સટ્ટો રમાડી રહ્યા હતા. એરપોર્ટ પોલીસે બંને બુકીની ધરપકડ કરીને પાટણના બાદલ દરજી અને અર્જુન ઠક્કરનું નામ ખોલ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.