બચ્ચનની ફિલ્મોની રીમેકએ રજનીકાંતનું કરિયર બચાવ્યું
અમિતાભ બચ્ચનની ૧૧ ફિલ્મોએ રજનીકાંતને બનાવ્યા છે સુપરસ્ટાર.
અંધા કાનૂન, હમ જેવી ફિલ્મોમાં બચ્ચન અને રજનીકાંતે સાથે કામ કર્યું, ડોન ફિલ્મની રીમેકે રજનીકાંતને સૌથી વધુ ફાયદો કરાવ્યો.
મુંબઈ, ફિલ્મોની દુનિયામાં હાલના દિવસોમાં એક બિનજરૂરી વિવાદ છેડાયેલો છે. આ ચર્ચા છે, બોલિવુડ વિરુદ્ધ સાઉથ સિનેમાનો. ફિલ્મ સ્ટાર્સથી લઈને સોશિયલ મીડિયા સુધી ઘણો કીચડ ઉછાળાયો. કોઈએ બોલિવુડની ટીકા કરી તો કોઈએ સાઉથ સિનેમાને ટોણો માર્યો. હિંદી ફિલ્મો માટે તો ત્યાં સુધી કહેવાયું કે, અહીં માત્ર રીમેક ફિલ્મો જ બને છે. એ સાચું છે કે, ગત એક દાયકાથી રીમેક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
પરંતુ, આવું માત્ર હિંદી ફિલ્મોમાં જ બને છે એવું નથી. જાે વાત ફિલ્મોની રીમેકની છે તો સાઉથ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર થલાઈવા રજનીકાંતનું ડૂબતું કરિયર પણ ક્યારેય અમિતાભ બચ્ચનની ફિલ્મોની રીમેકના કારણે જ બચ્યું હતું. તે પણ એક-બે નહીં, પરંતુ ૧૧ રીમેક ફિલ્મો. એ પણ એવા સમયે જ્યારે ડૂબતા કરિયરથી પરેશાન રજનીકાંતે લગભગ નક્કી કરી લીધું હતું કે તે ફિલ્મોની દુનિયાને છોડી દેશે.
રજનીકાંત ઘણી વખત બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને પોતાની પ્રેરણા જણાવી ચૂક્યા છે. ‘અંધા કાનૂન’, ‘હમ’, ‘ગિરફ્તાર’ જેવી બોલિવુડ ફિલ્મોમાં તો બંનેએ સાથે કામ પણ કર્યું છે. ૭૦-૮૦ના દાયકામાં એક સમય એવો પણ હતો, જ્યારે રજનીકાંતે અમિતાભ બચ્ચનની હિંદી ફિલ્મોમાં તમિળ રીમેકમાં કામ કરીને જ નામ અને દામ કમાયા. તેની શરૂઆત થઈ ૧૯૭૮માં રિલીઝ ફિલ્મ ‘શંકર સલીમ સાઈમન’થી.
તે હકીકતમાં ૧૯૭૭માં રિલીઝ થયેલી અમિતાભની ‘અમર અકબર એન્થની’ ફિલ્મની તમિળ રીમેક હતી. તે પછી ૧૯૭૯માં રિલીઝ થયેલી ‘નાન વઝહવાઈપેન’ એ બચ્ચનની ૧૯૭૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મજબૂર’ની રીમેક હતી. રજનીકાંતે અમિતાભ બચ્ચનની ૧૧ ફિલ્મોની તમિળ રીમેકમાં કામ કર્યું છે, જેણે તેમનું કરિયર ચમકાવી દીધું. તેમાં જે ફિલ્મોએ રજનીકાંતને સૌથી વધુ ફાયદો કરાવ્યો તે હતી બચ્ચનની ‘ડોન’, જેની કહાની સલીમ-જાવેદએ લખી હતી. કહેવાય છે કે, તે એ સમય હતો, જ્યારે રજનીકાંતે લગભગ નક્કી કરી લીધું હતું કે, તે એક્ટિંગ છોડી દેશે. પરંતુ ૧૯૮૦માં રિલીઝ થયેલી ‘બિલ્લા’થી તેમનું ફિલ્મી કરિયર બચી ગયું. ‘બિલ્લા’માં રજનીકાંતે ડબલ રોલ નિભાવ્યો અને તે તેમની પહેલી મોટી કોમર્શિયલ હિટ ફિલ્મ બની.sss