પ્રધાનમંત્રી આવાસ સહાયથી મારા ઘરના ઘરનું સ્વપ્ન પુર્ણ થયુ :કિરણભાઇ પઢીયાર

ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા કિરણભાઇ સરકારી
|
આણંદ: રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ મળી રહી તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) શરૂ કરવામાં આવી છે. આ યોજનાએ દેશના ઘણા ગરીબ પરિવારોનું પોતીકા ઘરનું સ્વપ્ન સાકાર કરીને પાકા ઘરની ઇચ્છા પૂરી કરી છે.
આવા જ એક ગરીબ લાભાર્થી કે જે ખેતમજૂરી કરીને માસિક ૩ થી ૪ હજાર કમાય છે તેમને મળેલી યોજનાકીય સહાયથી પોતાના ઘરનું સપનું સાકાર થયુ છે તેની વાત અહી કરવી છે.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ ધનાવસી ગામના લાભાર્થી કિરણભાઇ પઢીયાર(ઉ.વ. ૩૨ વર્ષ) કે જેઓ વર્ષોથી કાચા અને જર્જરિત આવાસમાં રહેતા હતા. ચોમાસામાં છત થી પાણી ટપકે તો ઉનાળામાં તડકો વેઠવો પડે તો ક્યારેક શિયાળામાં હાડ થીજવતી ઠંડી સહન કરવી પડે. કુદરતની તમામ સાનુકૂળ પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરતા કિરણભાઇ ખેતમજૂરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા હતા
પરતું ઘરનું ઘર ફક્ત તેમના માટે એક સપનું હતુ. તેમાંય પરિવારમાં ૩ પુત્રી અને એક પુત્રની ઉછેરની જવાબદારી વચ્ચે પાકુ ઘર કેવી રીતે બનાવવુ તે એક સમસ્યા હતી. તેમની આ સમસ્યાનું સમાધાન કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી આપીને ગામના તલાટીએ કરી આપ્યુ.
આ સહાય માટેના તમામ ધારાધોરણોમાં તેઓ લાયક હોવાથી તેમનું નામાંકન આ યોજનાની સહાય માટે મંજૂર કરવામાં આવેલ છે તેની તેઓને જાણકારી મળતાં તેઓની ખુશીનો કોઇ પાર રહ્યો નહી અને પરિવારમાં આનંદ છવાઇ ગયો.
સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલ ૧ લાખ ૨૦ હજારની સહાયથી તેમજ શૌચાલય માટેની ૧૨ હજારની સહાયથી તેઓએ ત્રણ મહિનામાં જુના જર્જરિત મકાનની જગ્યાએ પાકુ મકાન બનાવી તેઓ પોતાના પરિવાર સાથે આનંદથી આજે ટાઢ-તડકો કે વરસાદની ઋતુમાં આરામદાયક જીવન વીતાવી રહ્યા છે.
તેઓએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યુ કે ઘરના ઘરનું મારૂ સ્વપ્ન સરકારી સહાયથી સાકાર થયુ છે તેમજ મારી નાણાકીય બચતમાંથી હવે હું મારી દિકરીઓના લગ્ન સારી રીતે કરાવી. સરકારી સહાયથી મળેલ આવાસના કારણે મારી જવાબદારીઓ હળવી થઇ છે
તેમજ દિકરીઓ માટે પણ રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દિકરી તેમજ કુંવરબાઇનું મામેરૂ જેવી અનેકવિધ યોજનાઓની જાણકારી મળી છે અને મને વિશ્વાસ છે કે જેમ આવાસની યોજના થકી સરકાર મારે વ્હારે આવી છે તેવી જ રીતે કન્યાઓ માટેની અન્ય યોજનાઓ થી પણ મારી જવાબદારી હળવી કરવા સરકારશ્રી મારા વ્હારે આવશે અને તે માટે હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરૂ છું