આવો સહુ સાથે મળીને ગુજરાતને વૈકલ્પિક ભૂતળ પરિવહન વ્યવસ્થાનું કેન્દ્ર બનાવીએ : વિજય રૂપાણી
વડોદરા: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સહુ સાથે મળીને પર્યાવરણ રક્ષક વૈકલ્પિક સરફેસ ટ્રાન્સપોર્ટ પ્રણાલીને પ્રચલિત બનાવીએ અને પ્રોત્સાહન આપીએ એવો અનુરોધ કર્યો છે. તેમણે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામે પ્લાસર ઇન્ડિયા લિમિટેડ દ્વારા, પ્રધાનમંત્રીશ્રીના મેક ઇન્ડિયા કોન્સેપ્ટ હેઠળ સ્થાપિત રેલવેના પાટા બિછાવવા અને જાળવવા માટે જરૂરી ભારે યંત્ર સામગ્રીના ઉત્પાદન માટેના અતિ અદ્યતન કારખાનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ કારખાનું સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો આપશે અને વડોદરા જિલ્લાના વિકાસને વેગ મળશે એવી લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૨૦ ટકા જેટલું વાયુ પ્રદુષણ માર્ગ પરિવહન એટલે કે સરફેસ ટ્રાન્સપોર્ટથી થાય છે. એટલે સહુ સાથે મળીને વૈકલ્પિક ભૂતળ પરિવહન વ્યવસ્થા સાકાર કરીએ. ગુજરાત વૈકલ્પિક સરફેસ ટ્રાન્સપોર્ટનું હબ બની શકે એની ભૂમિકા આપતાં તેમણે ૧૬૦૦ કિમિ લાંબો દરિયા કિનારો અને તેના આધારિત બંદરોના વિકાસ તેમજ જળ પરિવહનના વિકલ્પોની ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસના દરેક ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર છે અને ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ એના ડીએનએમાં છે એટલે બહુઆયામી વિકાસ આયોજનો કર્યા છે. ગુજરાત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટનું ડેસ્ટિનેશન બન્યું છે.
પ્લાસર ઇન્ડિયા ૫૦ વર્ષથી ભારતીય રેલવેને ટ્રેક પૂરાં પાડે છે એનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને ૫ ટ્રીલિયન ડોલર ઇકોનોમી બનાવવા સંકલ્પબદ્ધ છે. એમના સ્વપ્નને સાકાર કરવામાં આ સ્ટેટ ઓફ ધી આર્ટ પ્રોજેકટ યોગદાન આપશે. તેમણે જણાવ્યું કે, આ પ્લાન્ટની સ્થાપનાથી રેલવે ક્ષેત્રે નવો આયામ ઉમેરાયો છે. આ પ્લાન્ટ વાર્ષિક ૧૦૦ થી વધુ ટ્રેક યંત્રોનું ઉત્પાદન કરશે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાથી ભારત બદલાઈ રહ્યું છે ત્યારે આ પ્રકારના પ્લાન્ટ્સથી રેલવેનું આધુનિકીકરણ થશે અને આ ક્ષેત્રમાં શોધ અને સંશોધનને વેગ મળશે.
ગાયકવાડી શાસન દ્વારા ભારતમાં પ્રથમ નેરોગેજ રેલવેની શરૂઆત કરવામાં આવી, બળદો દ્વારા ખેંચવામાં આવતી રેલવે ખંડેરાવ ગાયકવાડે ૧૮૬૨માં શરૂ કરી જે એક નવી પહેલ હતી એવી જાણકારી આપતાં તેમણે, વડોદરાના રેલવેના વિકાસ સાથે સંકળાયેલા ઉજ્જવળ ઇતિહાસને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બુલેટ ટ્રેન, રેલવે યુનિવર્સીટી, હાઈ સ્પીડ રેલ, મેટ્રો ટ્રેનના કોચીસનું ઉત્પાદન જેવા નવા આયામો સાથે વડોદરા સંકળાયેલું છે. તેમણે આ એકમ પ્રગતિ કરે અને ગુજરાત અને દેશના વિકાસમાં યોગદાન આપે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
ભારતના અને ગુજરાતના વિકાસમાં સહભાગી બનવાનું ગૌરવ અનુભવું છે એવી લાગણી વ્યક્ત કરતા પ્લાસર ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક શ્રીમાન ફિન્કએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીની મેક ઇન ઇન્ડિયાની વિભાવનાએ રોજગારી અને સમાજના વિકાસની ખાતરી આપતી વિભાવના છે. ગુજરાતમાં અમે ખૂબ જ સરળતાથી પ્રોજેકટ સ્થાપી શક્યા જેના મૂળમાં પ્રશાસન અને તંત્રનો પ્રોત્સાહક સહયોગ છે. અમને જમીન માલિકો, લોકલ ઔથોરિટી તમામનો સહયોગ મળ્યો છે. એમણે મુખ્યમંત્રીશ્રીને આવકારવાની સાથે સહુનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ઑસ્ટ્રીયા રાજદૂત સુશ્રી બ્રિગેટએ રેલવેના વિકાસમાં એમના દેશની ભૂમિકા આપી હતી અને પ્લાસર ઇન્ડિયા દ્વારા દેથાણ પ્લાંટમાં બનનારા રેલ ટ્રેક મશીન્સની નિકાસને પગલે ગુજરાત મેક ઇન ઇન્ડિયાની સાથે મેડ ઇન ઇન્ડિયાની દિશામાં વળશે એવી લાગણી વ્યક્તિ કરી હતી.
ભારતીય રેલવે બોર્ડના ઇજનેરી સદસ્યશ્રી વિશ્વેશ ચૌબેએ ભારતીય રેલવે પાસે હાલમાં ૯૫૦ પાટા પાથરવાના ટ્રેક મશીન છે અને નવા ૮૫૦ ટ્રેક મશીન્સનો ઓર્ડર મુક્યો છે એવી જાણકારી આપતાં જણાવ્યું કે, ૫ વર્ષમાં રેલવે પાસેના ટ્રેક મશીન્સમાં ૩ ગણો વધારો કરાશે. રેલવેએ ગુજરાતમાં વિક્રમજનક વિકાસનું આયોજન કર્યું છે. કારણ કે, ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેશ એટલે વ્યાપારની ખૂબ સરળતા છે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ,ધારાસભ્યશ્રી અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી સતીશ પટેલ, પ્લાસર ઇન્ડિયાના ચેરમેન શ્રી મેક્સ થ્યુરર તથા નિયામકશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી, જિલ્લા પોલીસ વડાશ્રી દેસાઈ અને કંપનીના કર્મચારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.