૨૯ અમેરિકી વસ્તુ પર ઉંચા ટેરિફ માટે તૈયારી
અમેરિકા દ્વારા ભારત પાસેથી જીએસપીનો દરજ્જો પરત ખેંચી લેવામાં આવ્યા બાદ ભારતની પણ કાર્યવાહી રહેશે
નવી દિલ્હી, ટેરિફને લઇને ભારત અને અમેરિકા વચ્ચે જારદાર ખેંચતાણની સ્થિતિ રહેલી છે. આવી સ્થિતિમાં આગામી સપ્તાહમાં અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ભારત દ્વારા ઉંચા ટેરિફ લાગૂ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે ખાસ દરજ્જાને પરત ખેંચી લીધા બાદ ભારતે પણ ૨૯ ચીજવસ્તુઓ ઉપર ઉંચા ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી સપ્તાહમાં આ ચીજવસ્તુઓ ઉપર ઉંચા ટેરિફ લાગૂ કરવામાં આવશે જેમાં સફરજન અને અખરોટ જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. અમેરિકાએ હાલમાં જભારત માટે ચાવીરુપ વેપાર દરજ્જાને પરત ખેંચી લીધો હતો. હવે ભારતે પણ ૨૯ વસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. પાંચમી જૂનથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને જીએસપીનો દરજ્જા પાછો ખેંચી લીધો હતો.
આ સ્કીમ હેઠળ ભારતને વેપારમાં ખુબ રાહતો મળી રહી હતી. ભારતથી ૫.૬ અબજ ડોલર સુધીની ડ્યુટી ફ્રી નિકાસને મંજુરી આપવામાં આવી હતી. ભારત દ્વારા પણ હવે ઉંચા ટેરિફ લાગૂ કરવાની તૈયારી કરી છે. આ મામલાની માહિતી ધરાવતા લોકોએ આ અંગેની માહિતી આપી છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે, ભારત દ્વારા કોઇપણ પ્રકારના પગલાથી ડબલ્યુપીઓના નિયમો હેઠળ નુકસાન રહેશે. ભારત દ્વારા કાયદાકીયરીતે ટેરિફ લાગૂ કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવી છે. અમેરિકી ચીજવસ્તુઓ ઉપર કોઇપણ પ્રકારના ટેરિફથી આશરે ૨૨૦ મિલિયન ડોલરની કિંમતની રકમની અસર થઇ શકે છે.
આ મામલામાં જાણકાર લોકોનું કહેવું છે કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કેટલીક પ્રતિક્રિયાઓ માંગવામાં આવી છે. ભારતે ઇમ્પોર્ટેક્સ વધારી દેવા માટે ગયા વર્ષે જૂન મહિનામાં એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ૧૨૦ ટકા સુધીનો ઇમ્પોર્ટટેક્સ લાગૂ કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા અમેરિકી ચીજવસ્તુઓની ખરીદી માટે મોટા બજાર તરીકે છે. અખરોટ અને અન્ય ચીજા અમેરિકા દ્વારા મોટાપાયે ખરીદવામાં આવે છે.