વેરાવળ પાસે કારે નગરસેવિકાની પુત્રીનો જીવ લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
વેરાવળ,અહીંના કોડિનાર હાઈ-વે પરના અમરાપુર ફાટક પાસે કારની ઠોકરે રિક્ષા ચડી જવાથી નગરસેવિકા કમળાબેન ફોફડીની રર વર્ષની પુત્રી રોશનીનું મૃત્યુ નીપજયું હતું. જયારે છ વ્યક્તિને ઈજા થઈ હતી તે પૈકી બેની હાલત ગંભીર છે. કારના ચાલકે નશો કર્યાનું ખુલ્યું હતું.વેરાવળ પાલિકાના નગરસેવિકા કમળાબહેન ફોફંડીના પુત્ર અને દિયરની દીકરીના આગામી દિવસોમાં લગ્ન હોવાથી નગરસેવિકાની પુત્રી રોશની અને પરિવારના શ્રધ્ધાબહેન, પાનીબહેન, મનિષાબહેન, ક્રિષ્નાબહેન સહિત સાત વ્યક્તિ રિક્ષામાં પ્રાંચી ગામે લગ્નની કંકોત્રી આપવા માટે ગયા હતા.
ત્યાંથી પરત રિક્ષામાં આવી રહ્યા હતા ત્યારે અમરાપુર ફાટક પાસે કોડિનાર તરફ પુરઝડપે જઈ રહેલી ક્રેટા કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ ડિવાઈડર ટપીને રોંગ સાઈડમાં વેરાવળ તરફ આવી રહેલી રિક્ષા સાથે અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં નગરસેવીકાની પુત્રી રોશનીનું કરૂણ મૃત્યુ નીપજયું હતું જયારે રિક્ષાચાલક સહિત છ વ્યક્તિને ઈજા થઈ હતી.
રિક્ષાચાલકને વધુ સારવાર માટે જૂનાગઢ અને અન્ય એક વ્યક્તિને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અકસ્માત અંગે સુત્રાપાડાના પીએસઆઈ હેરમાએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર કારના ચાલકે નશો કર્યો હતો અને તેની સાથે પ્રોહીબીશનનો અને અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.