બાયડ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી…
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
અખાત્રીજ (અક્ષય તૃતીયા) ના દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે ભૃગુ ઋષિ કુળમાં જમદગ્નિ ઋષિના પુત્ર સ્વરૂપે માતા રેણુકાના કૂખે ભગવાન પરશુરામનું પૃથ્વી પર અવતરણ થયું હતું. ભગવાન પરશુરામ સમસ્ત બ્રાહ્મણોના આરાધ્ય અને ઓળખ ધરાવતા ભગવાન છે, તેમજ વિશ્વ સહિત સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન પરશુરામને બ્રાહ્મણોના પૂર્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન પરશુરામ અમર છે અને સાત ચિરંજીવીઓ માંના એક છે.
બાયડ નગર ખાતે અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ભગવાન પરશુરામના જન્મોત્સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સાતમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં મોટી સંખ્યામાં બાયડ તાલુકાના ભૂદેવો જોડાયા હતા અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની ભક્તિમય વાતાવરણમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ” જય પરશુરામ ” ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બાયડ નગરપાલિકાના પ્રમુખ સ્નેહલભાઇ પટેલ, પૂર્વ ગુજરાત રાજ્ય ખેતી બેંકના ચેરમેન કનુભાઇ પટેલ, બાયડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મૌલીકભાઇ પટેલ સહિત નગરના રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ શોભાયાત્રામાં સહભાગી બની ભગવાન પરશુરામને ફુલહાર પહેરાવી શોભાયાત્રાનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યુ હતું.
દિલીપ પુરોહિત. બાયડ