Western Times News

Gujarati News

દેવગઢ બારિયાની મહિલાના શરીરમાંથી 47 કિલોની ગાંઠ દૂર કરીને મહિલાને નવજીવન આપ્યું

8 ડૉક્ટરની ટીમે 56 વર્ષની મહિલાના શરીરમાંથી 47 કિલોગ્રામની ગાંઠ દૂર કરી: ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું

અપોલો હોસ્પિટલ્સના ડૉક્ટર્સે સૌથી વધુ વજન ધરાવતી ગાંઠ દૂર કરવાનો રેકોર્ડ કર્યો

આ ભારતમાં અત્યાર સુધી સફળતાપૂર્વક દૂર કરવામાં આવેલી અંડાશયની બહાર રહેલી સૌથી મોટી ગાંઠ છે

– ગાંઠ ઉપરાંત ટીમે સર્જરી દરમિયાન આશરે 7 કિલોગ્રામનું વજન ધરાવતી પેટની દિવાલની પેશીઓ અને વધારાની ત્વચા પણ દૂર કરી હતી

અમદાવાદ, અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ચીફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટોરોલોજિસ્ટ ડૉ. ચિરાગ દેસાઈના નેતૃત્વમાં ડૉક્ટર્સની ટીમે ભારતમાં સૌથી વધુ વજન ધરાવતી ગાંઠ દૂર કરવાની સર્જરીનો રેકોર્ડ કર્યો છે અને આ સર્જરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવ્યું છે.

નોંધપાત્ર બાબત એ છે કે, ટીમે 56 વર્ષની મહિલાના શરીરમાં 47 કિલોગ્રામની ગાંઠ દૂર કરીને તેમને નવજીવન આપ્યું હતું – આ અત્યાર સુધી ભારતમાં સફળતાપૂર્વક દૂર કરાયેલી અંડાશયની બહારની સૌથી મોટી ગાંઠ છે. સરકારી કર્મચારી અને દેવગઢ બારિયાના રહેવાસી આ મહિલા 18 વર્ષથી આ ગાંઠ ધરાવતી હતી.

ચાર સર્જન સહિત આઠ ડૉક્ટરની ટીમે 27 જાન્યુઆરીના રોજ સર્જરી દરમિયાન ગાંઠ ઉપરાંત આશરે 7 કિલોગ્રામ વજન ધરાવતી પેટના દિવાલની પેશીઓ અને વધારાની ત્વચા પણ દૂર કરી હતી.

સર્જરી પછી મહિલાનું વજન ઘટીને 49 કિલોગ્રામ થયું હતું. તેઓ ટટ્ટાર ઊભા રહી શકતા ન હોવાથી સર્જરી અગાઉ તેમનું વજન માપી શકાયું નહોતું.

ટીમમાં ઓન્કો-સર્જન ડૉ. નીતિન સિંધલ, એનેસ્થેટિસ્ટ ડૉ. અંકિત ચૌહાણ, જનરલ સર્જન ડૉ. સ્વાતિ ઉપાધ્યાય અને ગંભીર સારવારના નિષ્ણાત ડૉ. જય કોઠારી સામેલ હતા.

સર્જરી પછી ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્ઝમાં દાવો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝની ટીમે એની વિસ્તૃત ચકાસણી કર્યા પછી પ્રયાસ બાદ અભિનંદન અને અંતિમ મંજૂરી આપી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ સીમાચિહ્ન ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં ‘વિચિત્ર છતાં સત્ય’ કેટેગરી હેઠળ નોંધાયું છે.

આ અંગે ડૉ. ચિરાગ દેસાઈએ કહ્યું હતું કે, “આ અતિ જોખમકારક સર્જરી હતી, કારણ કે મહિલાના શરીરના આંતરિક અંગો, જેમ કે યકૃત, હૃદય, ફેંફસા, કિડની અને ગર્ભાશય ખસી ગયા હતા. પેટમાં ગાંઠથી ઊભા થયેલા દબાણથી આવું થયું હતું. સીટી સ્કેન કરવું પણ મુશ્કેલરૂપ હતું, કારણ કે ગાંઠનું કદ સીટી સ્કેનના મશીનના ગેન્ટ્રી કે આધાર માટે અવરોધરૂપ હતું.”

તેમણે ઉમેર્યું હતું કે, “જોકે અમે ખુશ છીએ કે, અમારી સામે આ તમામ અવરોધો હોવા છતાં અમે જટિલ સર્જરી હાથ ધરી શક્યાં છીએ અને દર્દીને નવું જીવન આપી શક્યાં છીએ. આ સર્જરીને પગલે પ્રશંસા અમારી સફળતાની શરૂઆત છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.