યોગી પાંચ વર્ષ બાદ ઘરે પહોંચ્યા, માતા સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા

(એજન્સી) દેહરાદૂન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્રણ દિવસના પ્રવાસ પર ઉત્તરાખંડ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથનો આ પ્રથમ ઉત્તરાખંડ પ્રવાસ છે. યોગી આદિત્યનાથ દેહરાદૂનના જૌલીગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેબિનેટ મંત્રી પ્રેમચંદ અગ્રવાલ, પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતું.
ઉત્તરાખંડ પહોંચીને યોગી આદિત્યનાથે પાંચ વર્ષ બાદ પોતાના માતા સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તસવીર ટિ્વટર પર શેર કરતા યોગી આદિત્યનાથે માત્ર એક શબ્દ લખ્યો ‘માં’. સાથે બિધ્યાણીમાં મહાયોગી ગુરૂ ગોરખનાથ રાજકીય મહાવિદ્યાલયમાં આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા યોગી આદિત્યનાથ પોતાના ગુરૂને યાદ કરતા ભાવુક પણ થઈ ગયા અને કહ્યુ કે, તેમની જન્મભૂમિમાં તેમનું મૂર્તિનું અનાવરણ કરતા તે પોતાને સૌભાગ્યશાળી અનુભવી રહ્યાં છે.
મહત્વનું છે કે મહંત અવૈદ્યનાથનો જન્મ અહીના કાંડી ગામમાં થયો હતો, પરંતુ ૧૯૪૦ બાદ તે ત્યાં ક્યારેય ગયા નહીં. આ સંબંધમાં યોગીએ કહ્યુ કે, મહંત અવૈદ્યનાથ અહીં વધુ સમય રહ્યા નહીં, પરંતુ તે હંમેશા ત્યાંની શિક્ષણ વ્યવસ્થા વિશે પૂછતા રહેતા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યુ કે, તેમણે મહંત અવૈદ્યનાથને જણાવ્યુ હતુ કે અહીં કોઈ ડિગ્રી કોલેજ નથી અને તેમની પ્રેરણાથી અહીં મહાવિદ્યાલયની સ્થાપના થઈ છે. યોગી આગિત્યનાથે આ તકે પોતાના ૬ સ્કૂલી શિક્ષકોને પણ સન્માનિત કર્યા અને કહ્યું કે, તે આ માટે ગૌરવ અનુભવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, તેમને જન્મ પૌડીના પંચૂર ગામમાં થયો અને યમકેશ્વર નજીક ચમોટખાલની એક સ્કૂલમાં તેમણે ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો. તેમણે કહ્યું કે અહીં આવી તેમને પોતાના તે સ્કૂલ શિક્ષકોની યાદ આવી રહી છે જે હવે દુનિયા છોડી ચુક્યા છે.