માતા-પિતાએ બળજબરી દીકરીના લગ્ન પરણિત પુરુષ સાથે નક્કી કર્યા.
યુવતી તેના રુપિયાના ભૂખ્યા માતા-પિતા અને કાકાથી એટલી હદે ડરી ગઈ હતી કે બોલવા માટે કંઈ તૈયાર નહોતી
અમદાવાદ,પૈસાની લાલચમાં માતા-પિતા અને કાકાએ ૨૧ વર્ષની દીકરીના લગ્ન પરણિત પુરુષ સાથે નક્કી કરી નાખ્યા હતા. જેના માતા માટે યુવતી પર દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં તેઓ દબાણ કરી ઝઘડો કરતા હતા અને મારઝૂડ પણ કરતા હતા. બળજબરીથી લગ્ન કરાવવા માટે ત્રાસ આપતા હતા. આખરે કંટાળીને યુવતીએ અભયમ મહિલા હેલ્પ લાઈનની મદદ માગી હતી.
એ પછી અભયમની ટીમે યુવતીના માતા-પિતા અને કાકાને સમજાવીને આખો મામલો થાળે પાડ્યો હતો. બનાવની વિગત એવી છે કે, અમદાવાદના ધંધુકામાં રહેતી યુવતીએ અભયમ મહિલા હેલ્પ લાઈનની મદદ માગી હતી. એ પછી અભયમની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી. ટીમે યુવતીના ઘરે તેની પૂછપરછ કરી હતી. જાે કે, યુવતી તેના માતા-પિતા અને કાકાથી એટલી હદે ડરી ગઈ હતી કે બોલવા માટે કંઈ તૈયાર નહોતી. પરંતુ અભયમની ટીમે તેને સાંત્વના આપી હતી એ પછી યુવતીએ સઘળી હકીકત જણાવી હતી.
યુવતીએ અભયમની ટીમને જણાવ્યું કે, તેની ઉંમર ૨૧ વર્ષની છે. રુપિયાની લાલચમાં તેના માતા-પિતા અને કાકા તેના લગ્ન એક પરણિત પુરુષ સાથે કરાવવા માગે છે. યુવતીએ અભયમની ટીમને એવું જણાવ્યું કે, તેણે લગ્ન કરવાની ના પાડી તો તેના માતા-પિતા અને કાકા દ્વારા જબરદસ્તી કરવામાં આવી હતી. તેઓએ એવી ધમકી આપી કે જાે તે લગ્ન નહીં કરે તો તેને જાનથી મારી નાખીશું. આ સિવાય યુવતીએ એક ચોંકાવનારી માહિતી પણ જણાવી હતી. તેને જે છોકરો પસંદ છે તેના સાત ભાઈઓ છે.
જેથી સાતેય ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીના ભાગ પડે એવો વિચાર તેના માતા-પિતા અને કાકા રાખે છે. જેથી એ છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બીજી તરફ, રુપિયાની લાલચ આપીને પરણિત પુરુષ તેની સાથે લગ્ન કરવા માગતો હોઈ તેઓ પણ બળજબરી કરી રહ્યા હતા. આખરે અભયમની ટીમે યુવતીના માતા-પિતા અને કાકાનું કાઉન્સેલિંગ કર્યું હતુ. જે બાદ તેઓને પોતાની ભૂલ સમજાઈ હતી. આ સાથે જ અભયમની ટીમે યુવતીને કાયદાકીય માહિતી આપી હતી. જાે કે, યુવતી આ મામલે કોઈ કાયદાકીય કાર્યવાહી માંગતી ન હોઈ અને પોતાના માતા-પિતા સાથે રહેવા માગતી હોવાતી અભયમની ટીમે યુવતીને સલામતી માટે આશ્રય ગૃહમાં મોકલી આપી હતી.sss