બાયડ છેલ્લા 3-4 વર્ષથી તૈયાર થયેલા ટાઉન હોલના ઉદ્દઘાટન માટે કોની રાહ જોવાઇ રહી છે…? પ્રજાનો પ્રશ્ન
તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજ્યની વિવિધ નગરપાલિકાઓના વિકાસ માટે ૧૧૮૨ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં બાયડ નગરપાલિકાના વિકાસ માટે પણ ૫૦ લાખની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે જૂના વિકાસના જે કાર્યો પૂર્ણ થયેલા છે જેમાં શહેરમાં નિર્માણ પામેલ નવીન ટાઉન હોલ મુખ્ય છે જેના ઉદ્દઘાટનને લઇ નગરજનોમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.
આ ટાઉન હોલના બાંધકામને પૂર્ણ થયે ત્રણ ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ઉદ્દઘાટન કરવામાં ન આવતાં શહેરીજનો ટાઉન હોલના ઉદ્દઘાટનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે…તે ટાઉન હોલનું ઉદ્દઘાટન કયારે કરવામાં આવશે…? અરવલ્લી જિલ્લામાં નગર પાલિકા ધરાવતા બે શહેરો છે જેમાં એક જિલ્લાનું મુખ્ય મથક મોડાસા અને બીજું બાયડ છે. જિલ્લાનું ખૂબ ઝડપથી વિકાસ પામતું શહેર એટલે બાયડ, જ્યાં ઘણી ખાનગી તેમજ સરકારી શાળાઓ આવેલી છે તેમજ શહેરમાં અને શહેરની નજીકમાં કોલેજો પણ આવેલી છે
તથા ઘણી બધી હોસ્પિટલો આવેલી છે, તેમજ રાજકીય રીતે પણ ખૂબ મહત્વ ધરાવતું શહેર હોવાથી અવાર નવાર રાજકીય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ઘણા લોક ઉપયોગી સેમિનાર શહેરમાં યોજાતા હોય છે, જેના માટે બાયડ શહેર ખાતે ટાઉન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ટાઉન હોલનું બાંધકામ પૂર્ણ થયે લગભગ ત્રણ – ચાર વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં હજુસુધી ઉદ્દઘાટન કરવામાં ન આવતાં શહેરીજનોમાં એકજ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે, ટાઉન હોલના ઉદ્દઘાટન માટે આટલા વર્ષોથી કોની રાહ જોવાઇ રહી છે…?
બાયડ પ્રાંત કચેરીની સામે આવેલા ટાઉન હોલનું બાંધકામ પૂર્ણ થયે લગભગ ત્રણ – ચાર વર્ષનો સમય વીતી ગયો, પરંતુ હજુ સુધી ટાઉન હોલને ખુલ્લો મૂકવામાં ન આવતાં ઘણા સાંસ્કૃતિક તેમજ રાજકીય કાર્યક્રમોનું આયોજન ખાનગી સ્થળો પર કે અન્ય સંસ્થાઓની જગ્યાઓ પર કરવા પડે છે, ત્યારે નગરજનોમાં પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં સરકાર દ્વારા ટાઉન હોલનું ઉદ્દઘાટન કરવામાં આવશે કે કેમ…
દિલીપ પુરોહિત. બાયડ