ઝાલોદમાં મંત્રી તરીકે ફરજ બજાવતી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
દે.બારીયાદેવગઢબારિયા તાલુકાના મોટીજરી ગામે ગત વહેલી પરોઢે પુરપાટ દોડી આવતી ફોરવિલ ગાડી શાળાની દીવાલ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાડીમાં બેઠેલાઓને તેમજ ચાલકને ગંભીર ઇજાઓ થતા તે ઇજાગ્રસ્તો પૈકી ઝાલોદના વરોડ સેજામાં તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા ૩૭ વર્ષીય મહિલા કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર એક ફોરવીલ ગાડીના ચાલકે ગતરોજ વહેલી પરોઢના ચાર વાગ્યાના સુમારે પોતાના કબજાની જીજે.૧૭.બીએ.૧૧૩૧ નંબરની પેસેન્જર ભરેલ ફોરવીલ ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી દેવગઢબારીયાના મોટીજરી ગામે રોડ પર નાળાની દીવાલ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાડીમાં બેઠેલ પેસેન્જરો તથા ગાડીના ચાલક સંજેલી ના ચમારીયા ગામના રમેશભાઈ ચુનીલાલ મકવાણાને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત વરોડ સેજાના તલાટી કમ મંત્રી ફુલપુરા ગામના ૩૭ વર્ષીય અંજનાબેન કાનજીભાઈ શામજીભાઈ બારીયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે મરણ જનાર ૩૭ વર્ષીય તલાટી કમ મંત્રી અંજનાબેન બારીયાના પરિવારમાં મોતનો માતમ છવાયો હતો આ સંબંધે પિપલોદ પોલીસે ફોરવીલ ગાડીના ચાલક ચમારીયા ગામના રમેશભાઈ ચુનીલાલ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.