કાલાવડ, ગોંડલમાં પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા
અમદાવાદ, વૈશાખ મહિનાની આકરી ગરમી વચ્ચે જામનગર અને રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. જામનગરના કાલાવડ તાલુકાના અને રાજકોટના ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવો માહોલ જામતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વાતાવરણમાં આજે બપોરના સમયે અચાનક પલટો આવ્યો હતો. તાલુકાના ખરેડી, નાના વડાળા,ડેરી,ગુંદા, મેટીયા, શ્રીજી નગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યારે બીજી બાજુ તાલુકાના અનેક ગામોમાં વરસાદી છાંટા સાથે કરા પણ પડયા છે.
કાલાવડ તાલુકામાં આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદ અને કરા વરસતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો. રાજકોટ જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જાેવા મળ્યો હતો.
વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જાેવા મળી રહી રહ્યો છે. ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તઓ પર પાણી ભરાયા હતા. વરસાદ પહેલા પવનને કારણે ધૂળની ડમરી પણ ઉડી હતી.
રાજકોટ શહેરમાં હાલ વાતાવરણ ગોરંભાયું છે અને કાળા ડિબાંગ વાદળો છવાયા છે. રાજકોટ-ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના રીબડા, પીપળિયા તેમજ આજુબાજુના ગામાડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.