Western Times News

Gujarati News

GTU દ્વારા વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓ માટે સ્વ-રક્ષણ તાલીમનો વર્કશોપ યોજાયો

વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ મેળવવી જ જોઈએ – પ્રો. ડૉ. નવીન શેઠ

37થી વધુ સંલગ્ન સંસ્થાની 3500 જેટલી વિદ્યાર્થીનીઓએ તાલીમ મેળવી

સમાજમાં જોવા મળતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણોસર દરેક મહિલા અને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરીયાત છે. જેને અનુલક્ષીને તાજેતરમાં જ સમાજ સેવાના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા પરિપત્ર કરીને તમામ સંલગ્ન કૉલેજની વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્યે સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સમાજસેવાના પ્રત્યેક કાર્યમાં જીટીયુ હરહંમેશ કાર્યરત રહ્યું છે. વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ મેળવવી જ જોઈએ.
જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીટીયુ સ્પોર્ટ્સ વિભાગના સમાજ ઉપયોગી આ ઉમદા કાર્યને બિરદાવીને સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

એક મહિના જેટલા ટૂકાં ગાળામાં જીટીયુ સંલગ્ન 37થી વધુ કૉલેજોની 3500થી વધુ વિદ્યાર્થીની અને મહિલા કર્મચારીઓને જીટીયુ દ્વારા નિયુક્ત તજજ્ઞો દ્વારા વિનામૂલ્યે એક સપ્તાહની તાલીમ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં અન્ય સંલગ્ન સંસ્થાઓ ખાતે પણ આ પ્રકારની તાલીમનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવશે. તાલીમના કારણોસર વિદ્યાર્થીનીઓ આત્મરક્ષણનું જ્ઞાન તો મેળવ્યું જ છે. સાથે સાથે જુડો, કરાટે, ટાઈક્વોન્ડો જેવી માર્શલ આર્ટ્સની વિવિધ રમતો પ્રત્યે પણ તેમની રૂચી કેળવાઈ હોવાથી આગામી સમયમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ આ ક્ષેત્રે પણ દેશનું નામ રોશન કરશે એમાં શંકાને સ્થાન નથી.

સાપ્તાહિક તાલીમની અંતે કાયમી ધોરણે પણ દરેક સંસ્થામાં આ પ્રકારના વર્ગોનું આયોજન જીટીયુ અને સંલગ્ન કૉલેજના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.