ત્યજી દીધેલી પુત્રીની કસ્ટડી પિતાને સોંપવા માતાની શરતી મંજૂરી
અમદાવાદ, ગુજરાતીમાં કહેવત છે કે ‘છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ના થાય.’ જાેકે, આ કહેવતને ખોટી પાડતો એક કિસ્સો મહેસાણા જિલ્લામાં બન્યો છે, જેમાં એક મહિલા જેને જન્મ આપ્યો તે દીકરીની કસ્ટડી તેના પિતાને સોંપવા માટે એ શરતી સહમતી આપી છે, કે દીકરીને ક્યારેય તેની પાસે લાવવામાં નહીં આવે તેમજ પોતે તેની મા છે તેવું પણ છોકરીને ક્યારેય નહીં કહેવામાં આવે.
મહિલાની આ શરત સાંભળીને કોર્ટ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. હાલ સાત વર્ષની આ છોકરી અનાથઆશ્રમમાં રહે છે. નવાઈની વાત એ છે કે, દીકરી જન્મી ત્યારે તેના પિતા, દાદી અને ફોઈએ તેને બસ સ્ટેન્ડ પર ત્યજી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ કરવા જતાં તેઓ ગામના લોકોના હાથે પકડાઈ ગયા હતા અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
મહેસાણા જિલ્લાના રણાસણ ગામની આ ઘટનામાં એકબીજાના પિતરાઈ ભાઈ-બહેન થતાં યુવક અને યુવતી એકબીજાનાં પ્રેમમાં પડ્યાં હતાં. પ્રેમસંબંધોને કારણે યુવતી ગર્ભવતી બની હતી, અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. તે વખતે બંનેના લગ્ન પણ નહોતા થયા.
જાેકે, સમાજમાં બદનામીના ડરે સમગ્ર વાતને છૂપી રાખવામાં આવી હતી. યુવતીએ ૨૦૧૫માં જે બાળકીને જન્મ આપ્યો તેનાથી પીછો છોડાવવા માટે યુવકે પોતાની માતા અને બહેન સાથે મળી તેને અર્જુનપુરા ગામના બસ સ્ટેન્ડ પર મૂકી આવવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ નિષ્ફળ રહ્યાં હતાં. તેમના વિરુદ્ધ આ અંગે પોલીસ કેસ પણ થયો હતો પરંતુ કોર્ટે તમામને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા.
બીજી તરફ, બાળકીને તે વખતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાંથી તેને અમદાવાદના ઓઢવ અનાથ શીશુગૃહમાં મૂકાઈ હતી. ત્યારબાદ તે કાળુપુર વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સંસ્થા દ્વારા ચલાવાતા અનાથઆશ્રમમાં ખસેડવામાં આવી હતી. છોકરીને ત્યજી દેવાના કેસમાં નિર્દોષ છૂટેલા તેના પિતાએ છોકરીની કસ્ટડી માટે અપીલ કરી હતી. જેની સામે તેની માતાએ કોઈ વાંધો નહોતો લીધો.
કોર્ટે છોકરીની કસ્ટડી તેના પિતાને આપવાના પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે છોકરીની માતાને તેના પ્રત્યે કોઈ લગાવ નથી, જ્યારે દીકરીના પિતા તેની કસ્ટડી ઈચ્છે છે કારણકે તેઓ નથી ઈચ્છતા કે છોકરી અનાથઆશ્રમમાં મોટી થાય. છોકરીની માતાએ કોર્ટને આ મામલે પોતાને કોઈ વાંધો નથી તેમ જણાવતા એવું નિવેદન આપ્યું હતું કે, ‘બાળકીની કસ્ટડી કોઈને પણ અપાય પરંતુ તેના મારી સાથે કોઈ સંબંધ ના રહેવા જાેઈએ.’
માતાએ કોર્ટમાં ત્યાં સુધી કહ્યું હતું કે જાે છોકરી તેની સાથે સંબંધ રાખશે તો તેનાથી પોતાના ભવિષ્યને અસર પડી શકે છે, અને તેની હાજરીથી સમાજમાં તેને બદનામીનો સામનો કરવો પડી શકે છે.
સમાજના ડરથી પોતે છોકરીને રાખી શકે તેમ નથી તેવું કહેતા માતાએ જણાવ્યું હતું કે જાે તેને કોઈ છોકરીના પિતા વિશે પૂછશે તો પોતે કોઈ જવાબ નહીં આપી શકે. માતાએ એમ પણ કહ્યું હતું કે છોકરીની કસ્ટડી તેના પિતાને અપાય તો પણ વાંધો નથી, પરંતુ તેના પિતા તેને એમ નહીં કહી શકે કે હું તેની મા છું.
કેસની સુનાવણી દરમિયાન ૭ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ છોકરીને કોર્ટમાં હાજર રાખવામાં આવી હતી. જાેકે, તેણે પોતાની માતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો હતો, કારણકે તેણે માતાને ક્યારેય જાેઈ જ નહોતી. પરંતુ છોકરી તેના પિતા, ફોઈ અને દાદીને ઓળખી ગઈ હતી.
કોર્ટે ચુકાદામાં એવું પણ નોંધ્યું હતું કે આ કેસમાં ભોગ બનનાર માત્ર આ બાળકી છે. માતાપિતા બંને હયાત હોવા છતાં બાળકી અનાથઆશ્રમમાં રહે છે, પરંતુ તેના સારા ભવિષ્ય માટે તે પિતા સાથે રહે તે વધુ ઈચ્છનિય છે તેમ કહેતા કોર્ટે બાળકીની કસ્ટડી તેના પિતાને સોંપી હતી.SSS