Western Times News

Gujarati News

બેંકની બેદરકારીથી ખાતેદાર સાથે થયું રૂ. ૨૯ લાખનું ફ્રોડ

વડોદરા, દેશમાં અને રાજ્યમાં સાયબર ફ્રોડ ના ગુનાઓ સતત વધી રહ્યા છે. ત્યારે આરબીઆઈ અને બેંકો દ્વારા અવારનવાર ગ્રાહકોને સાયબર ફ્રોડથી બચવા માટે શું કરવું જાેઈએ તેની માહિતી અપાતી રહે છે. પરંતુ, વડોદરામાં બેંકની બેદરકારીને લીધે ગ્રાહક લાખો રૂપિયાના સાયબર ફ્રોડનો ભોગ બન્યો છે.

વડોદરામાં આવેલી બેંક ઓફ બરોડાની અકોટા બ્રાન્ચની ગંભીર બેદરકારી સામે આવી છે. ગ્રાહકે પોતાનો મોબાઈલ હેક થઈ ગયો હોવાની બેંકને જાણ કરી હોવા છતાં તેના ખાતામાંથી ઠગ ટોળકી ૨૯ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં સફળ રહી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ખાતેદારે તેની સાથે થયેલા સાયબર ફ્રોડમાં બેંક અને ટેલિફોન કંપનીના કોઈ કર્મચારી સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરી છે.

સાયબર સેલે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સાયબર ફ્રોડનો ભોગ બનેલા ખાતેદારે સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બેંક ઓફ બરોડાની આકોટા બ્રાન્ચમાં તેમનું, તેમની પત્ની અને તેમની દીકરીના અકાઉન્ટ છે. જેમાં તેમણે પોતાનો બીએસએનએલનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો છે.

ગત ૧૯મી એપ્રિલે રાત્રે ૨.૧૬ કલાકે તેમના મોબાઈલ પર નેટ બેન્કિંગ ચાલુ થયાનો ઓટીપી આવ્યો હતો. પરંતુ તેમણે મેસેજ ઓપન કર્યો ન હતો. બીજા દિવસે એટલે કે ૨૦ એપ્રિલે તેમણે બેંકમાં જઈને આ અંગે જાણ કરી હતી. તે સમયે મેનેજર હાજર ન હતા. જેથી તેમણે એક પત્ર લખી બેંકમાં આપ્યો હતો.

પરંતુ બેંકે આ પત્ર સ્વીકાર્યો ન હતો. જેથી તેમણે રજિસ્ટર એડીથી પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં તેમણે પોતાના બેંક અકાઉન્ટમાં ચેડા થવાની આશંકા વ્યક્ત કરી હતી અને જાે કંઈ થશે તો બેંક જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું.ખાતેદારે ફરિયાદમાં કહ્યું છે કે, વારંવાર રજૂઆત કરવા છતાં બેંકે કોઈ પગલાં લીધા ન હતા.

ગત ૨૩મી એપ્રિલે રાત્રે તેઓ મહારાષ્ટ્રથી પાછા આવી રહ્યા હતા ત્યારે તેમનો ફોન બંધ થઈ ગયો હતો. બીજા દિવસે રવિવાર હતો અને તેમણે અકાઉન્ટ ચેક કરતા જાેવા મળ્યું હતું કે તેમના પત્નીના ખાતામાંથી રૂ. ૧૧.૪૩ લાખ, દીકરીના અકાઉન્ટમાંથી રૂ. ૭.૭૮ લાખ અને તેમના ખાતામાંથી રૂ. ૭.૦૭ લાખ મળી કુલ રૂ. ૨૬.૨૮ લાખ ટ્રાન્ફર થઈ ગયા હતા.

આ ઉપરાંત એચડીએફસી બેંકના અકાઉન્ટમાંથી પણ તેમના બેંક ઓફ બરોડાના અકાઉન્ટમાં રૂ. ૨.૯૯ લાખ ટ્રાન્સફર થયા હતા અને તેમાંથી ઠગ ટોળકીએ રૂ. ૨ લાખ ઉપાડી લીધા હતા.ખાતેદારે પોલીસને કહ્યું કે, તેમની નજર સામે જ એક પછી એક ટ્રાન્જેક્શન થતા રહ્યા હતા.

તેમણે કહ્યું કે, જાે બેંક મેનેજર અને સ્ટાફે કાળજી લીધી હોત તો તેમના અકાઉન્ટમાંથી એક કંઈ ગયું ન હોત. તેમણે જણાવ્યું કે, તેમના પરિવારના ત્રણ અકાઉન્ટમાંથી પ્રકાશ ગામેતીના અકાઉન્ટમાં રૂ. ૧૦ લાખ, નફીજુર રહેમાનના અકાઉન્ટમાં રૂ. ૯.૭૮ લાખ અને રાહુલ પાઠકના અકાઉન્ટમાં રૂ. ૫ લાખ ટ્રાન્સફર થયા હતા.

આ ઉપરાંત બીજી રકમ કેટલાક બેંક અકાઉન્ટમાં જમા થઈ હતી. ચાર દિવસથી જાણ કરવા છતાં રકમ ઉપડી જતાં તેમણે મેનેજર રાકેશ સિંહાને રજૂઆત કરી હતી. ખાતેદારના કહેવા મુજબ, રાકેશ સિંહાએ તેમની રજૂઆત સાંભળી ઠંડા કલેજે કહ્યું હતું કે, ‘મારી ભૂલ થઈ ગઈ. મેં તમારો પત્ર વાંચ્યો જ નથી.’ ખાતેદારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમણે સ્ટેટમેન્ટ માગતા તેમની સાથે અસભ્ય વર્તન કરી તે આપવા ઈનકાર કરી દેવાયો હતો.

એટલું જ નહીં, પોતાનો મોબાઈલ હેક થયાની બેંકને ૨૦ એપ્રિલે જાણ કરવા છતાં ૨૫ એપ્રિલ સુધી પોતાનું અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું ન હોવાનો પણ ખાતેદારે આરોપ લગાવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.