ઈન્દોરમાં ૨ માળની ઈમારતમાં ભીષણ આગથી સાતનાં મોત

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી પહેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગી હતી
મૃત્યુ પામનાર લોકો બિલ્ડિંગમાં ભાડા પર રહેતા હતા
નવી દિલ્હી,ઈન્દોરના વિજય નગર વિસ્તારમાં શુક્રવાર-શનિવારે મોડી રાત્રે બે માળની ઈમારતમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ૭ લોકોના મોત થયા હતા. આ ઈમારત સ્વર્ણ બાગ કોલોનીમાં આવેલી છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ તેમજ વિજય નગર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને એમવાય હોસ્પિટલ મોકલી આપ્યા હતા. કહેવાય છે કે બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટના કારણે ધીરે ધીરે આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મળતી માહિતી મુજબ, આગમાં સળગીને મૃત્યુ પામનાર લોકો આ બિલ્ડિંગમાં ભાડા પર રહેતા હતા. આમાંના કેટલાક લોકો ભણતા હતા અને કેટલાક લોકો નોકરી કરતા હતા.
અકસ્માત વિશે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી પહેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગી હતી અને પછી ધીમે ધીમે આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. તેની જ્વાળાઓએ એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે કોઈને સ્વસ્થ થવાની અને સમજવાની તક ન મળી. લોકો કંઈક સમજી શક્યા ત્યાં સુધીમાં કેટલાક જીવતા સળગવાથી અને કેટલાક ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આગની જાણ થતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પાડોશીઓએ આગ ઓલવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને વિજય નગર પોલીસ સ્ટેશનને જાણ કરી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
આગ ઓલવ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ઘરમાંથી એક પછી એક અનેક મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આગને કાબુમાં લીધા બાદ પોલીસે સ્થળને સીલ કરી દીધું હતું. ફોરેન્સિક અને ઈન્ટેલિજન્સ ટીમના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન ધારાસભ્ય મહેન્દ્ર હરદિયા અને ઈન્દોરના પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. જે મકાનમાં આગ લાગી હતી.
તેની સામેના મકાનમાં રહેતા એક જ પરિવારના બે લોકોના મોતની આશંકા છે. તેના ઘરનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેના કારણે તે હંગામી ધોરણે ભાડાના મકાનની સામે રહેતો હતો. મૃત્યુઆંક વધવાની આશંકા છે. જે લોકોના આ આગમાં દર્દનાક મોત થયા છે તેમાના મોટાભાગના લોકોના મોત દમ ઘૂંટવાથી થયા હોવાનું કહેવાયું છે. પોલીસના જણાવ્યાં મુજબ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને આ મામલે હાલ વિસ્તૃત તપાસ ચાલી રહી છે.