NHL મેડીકલ હોસ્ટેલમાં તસ્કરો ત્રાટક્યાઃ લેપટોપ, મોબાઈલ સહિતની મત્તાની ચોરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં પોલીસની નિષ્ક્રીયતાને પરિણામે ચોરો હવે બેફામ બની ગયા છે. ચોવીસ કલાક પેટ્રોલીંગના બણગા ફૂંકતી પોલીસ માંડ કોઈ ગુનાઓના મૂળ સુધી પહોંચી શકે છે. એક તરફ શહેરીજનો આ પરિસ્થિતી પરેશાન થઈ ગયા છે.
ત્યારે ભગવાન ગણાતા ડોક્ટરોના રૂમોમાં તસ્કરો ત્રટક્યા છે. માદલપુર નજીક બોયસ હોસ્ટેલમાં રહેતા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં ત્રણ ડોક્ટરના રૂમોમાંથી બે લેપટોપ અને એક મોબાઈલ ફોનની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. સિક્યુરીટી ગાર્ડ દરેક સ્થળોએ મુક્યા હોવા છતાં ચોરીનો બનાવ બનતા ગાર્ડની કામગીરી અંગે પણ સવાલો ઉઠ્યા છે. ઘટનાની વિગત એવી છે કે મૂળ બનાસકાંઠાના આશિષ પ્રહ્લાદભાઈ પટેલ (ર૧) વી.એસ. કેમ્પસમાં આવેલી શ્રીમતિ એનએચએલ મેડીકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
તથા પ્રિતમનગરના ઢાળ આગળ આવેલી શિકાગો હોટલની સામે એનએચએલ બોયસ હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે રહે છે. ગુરૂવારે રાત્રે અગીયારેક વાગ્યાના સુમારે ગરમી હોવાથી રૂમનો દરવાજા ખુલ્લો મુકીને તે સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે તે જાગ્યા ત્યારે પલંગની બાજુમાં મુકેલા લેપટોપની ચોરી થયેલી જણાઈ હતી.
લેપટોપની શોધ કરતાં તે બહાર નીકળ્યા ત્યારે અન્ય કેટલાંક રૂમમાંથી પણ ડોક્ટરો પોતે વાપરતા હતા એવા કિંમતી લેપટોપ અને મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની બુમાબુમ થઈ હતી. જેને પગલં સમગ્ર હોસ્ટેલમાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. આ અંગેની જાણ થતાં જ હોસ્ટેલના સંચાલકો પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. અને પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે સિક્યુરીટી ગાર્ડને પૂછપરછ કર્યા બાદ વધુ કેટલાંક લોકોના નિવેદનો લીધા હતા. અને હોસ્ટેલના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
નોંધનીય છે કે હોસ્ટેલથી થોડા જ અંતરે સમગ્ર રાત્રી દરમ્યાન ખાણીપીણીના સ્ટોલ હોવાથી ભીડને ભગાડવા માટે પુરી રાત એલિસબ્રિજ પોલીસ આંટા મારતી રહે છે. મેડીકલ હોસ્ટેલમાં ચોરીનો બનાવ બનતા નિર્દોષ યુવાનોને ડરાવવાના બદલે ચોરો તથા અસલી ગુનેગારો વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરે એવી ચર્ચા શરૂ થઈ હતી.