Western Times News

Gujarati News

બોલેરો પલટી મારી જતાં 3 મોતઃ 8 ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના માર્ગો યમરાજના ડેરા સમાન બન્યા હોય તેમ અકસ્માતની ઘટનાઓમાં માનવ જિંદગી ખલાસ થવાની ઘટનાઓ સામાન્ય બની છે.

જેમાં આજે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા નજીક પૂરઝડપે જઇ રહેલ બોલેરો પલટી મારી જતા આ ગમખ્વાર અકસ્માતમાં બોલેરોમાં સવાર ૧ વ્યક્તિનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય ૪ જેટલા ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત સારવાર અર્થે જુદા-જુદા ગામે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેમાં રાજકોટ લઇ જવાયેલ બે વ્યક્તિઓના ત્યાં સારવાર દરમિયાન મોત નિપજતા આ ગોજારી ઘટનામાં મોતનો આંકડો ૩ સુધી પહોંચી જતા જિલ્લાભરમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

ઘટનાને પગલે પૂર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી મૃતકોના પરિવારજનોને તથા ઇજાગ્રસ્તોને વધુમાં વધુ સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે.

બોલેરો વાહન ખાંભાથી ધારી તરફ જઇ રહ્યું હતું ત્યારે ઇંગોરાળા નજીક પહોંચતા સ્પીડ વધુ હોવાના કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવી દેતા પલટી મારી ગયું હતું. બોલેરોમાં ૧૧ જેટલા પેસેન્જરો બેઠેલા હતા. બોલેરો ધડાકાભેર પલટી મારી જતા આસપાસમાંથી લોકો એકત્ર થઇ ગયા હતા.

આ ઘટના દરમિયાન આ રોડ પરથી પસાર થઇ રહેલ પૂર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા પણ અહીં દોડી આવ્યા હતા અને બોલેરોમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢવા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા મદદ કરી હતી. બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી. જેમાં ઘટના સ્થળ પર એક વ્યકટીનું કરૂણ મોત નિપજ્યું હતું.

તેમજ અન્યોને ૧૦૮ મારફત ધારી અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં હાલત વધુ ગંભીર હોવાથી સારવાર દરમિયાન વધુ બે લોકોએ દમ તોડતા મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

મૃતકોમાં એક રપ વર્ષીય યુવતી તેમજ ૬૮ વર્ષીય વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં મૃતક પરિણીતા આશાબેન રબારી તથા મૃતક વૃદ્ધા લાભુબેન સુતરીયાના પિયર ખાંભાના ઇંગોરાળામાં આવેલા છે. જેથી તેઓ બંને પિયરે આવ્યા હતા અને ત્યાંથી પરત સાસરીયે જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ ઘટના બનતા બંનેના પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.