Western Times News

Gujarati News

 સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સતત પર્યાવરણને પીરસાતો પુરસ્કાર

Ø અત્યાર સુધીમાં 54 મિયાવાકી જંગલ વસાવ્યા

શહેરોમાં જ જંગલોનું નિર્માણ કરવાની મિયાવાકી પદ્ધતિ જાપાનનાં વૈજ્ઞાનિક અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે. જાપાનમાં જમીન ખૂબ ઓછી હોવાથી જંગલ ઉછેરની આ પદ્ધતિ તેમણે વિકસાવી હતી જેનું અનુકરણ આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. આ પદ્ધતિનો ઉદ્દેશ્ય ઓછી જમીનમાં, ઓછા પાણીથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી જંગલોનું નિર્માણ કરવા માટે વૃક્ષને છુટાછવાયા વાવવાને બદલે દોઢથી બે ફૂટના અંતરે ઝાડ વાવવામાં આવે છે. ઓછામાં ઓછી 4×3 મીટર જગ્યામાં આ થઈ શકે છે. આ પદ્ધતિથી વાવેલા વૃક્ષો બીજા વૃક્ષો કરતા 30 ગણા ઘાટા થાય છે અને 10 ગણા ઝડપી વધે છે.

તેને ફકત ઉપરથી સૂર્ય પ્રકાશ મળવો જોઈએ અને 3 વર્ષ માટે નીચે મૂળમાં પાણી મળવું જોઈએ. આ રીતે પર્યાવરણને, પશુ-પક્ષીને તથા તમામ જીવસૃષ્ટિને ઉપયોગી એવું ફળ, ફૂલ અને ઓકિસજન પાર્ક જેવું બની જાય છે. મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવ્યા પછી એકવાર મૂળિયાં સ્થપાઈ ગયા બાદ, જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇ જાય છે ત્યારબાદ બે થી ત્રણ વર્ષ સુધી પાણી આપતા રહેવું પડે છે. તે દરમિયાન ઉગી નીકળેલા નકામાં ઘાસને કાઢી નાખવામાં આવે છે.

જેથી વૃક્ષોનાં વિકાસમાં અવરોધ પેદા ન થાય. જેમ-જેમ જંગલ વધતું જાય છે તેમ-તેમ સુર્યપ્રકાશ રોકાતો જાય છે. અંતે જંગલ એટલું ઘટ્ટ બની જાય છે કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી અને નકામું ઘાસ ઉગવાનું બંધ થઇ જાય છે. આ સ્તરે જંગલ પાણીનાં દરેક ટીપાનું સંરક્ષણ કરે છે અને તેને વરાળ બનીને વાતાવરણમાં ભળતા અટકાવે છે તથા ભેજવાળી હવાનું સંઘનન કરીને ભેજ પાછો મેળવે છે. ધીરે-ધીરે આ વૃક્ષોને પાણી આપવાનું ઓછુ કરીને અંતે બંધ કરી દેવામાં આવે છે. પાણી વગર પણ જંગલનું તળિયું ભેજવાળું રહે છે.

જયારે પાંદડા જંગલની જમીન પર પડે છે ત્યારે તરત જ સડવા માંડે છે. આ સડેલો જૈવિક કચરો ખાતર બનીને જંગલને ખોરાક પૂરો પાડે છે. જેમ જંગલ વધતું જાય છે, તેમ વધુને વધુ પાંદડાઓ ખાતર બને છે અને જંગલનો વિકાસ ઝડપી બને છે અને જંગલ પોતાની જાતે જ વધતું જાય છે. જો વૃક્ષોને અલગ-અલગ રીતે વાવવામાં આવે તો તે આટલી જલ્દી વધી શકતા નથી. આમ આ જંગલનાં વૃક્ષો સામૂહિક રીતે એક બીજાનો સાથ આપીને કુટુંબની જેમ આગળ વધે છે અને જોત જોતામાં 100 વર્ષે બનતું જંગલ 10 વર્ષમાં તૈયાર થઇ જાય છે.

વર્તમાન સમયમાં રાજકોટનાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ દિશામાં ખૂબ સારું કાર્ય કરી રહયું છે જેમાં સાથે દાતા પરીવારોનો સહયોગ અને સદભાવના વૃધ્ધાશ્રમ સ્ટાફ મિત્રોનો સહયોગ રહ્યો છે. રાજકોટ, જામનગર, મોરબી રોડ, ભાવનગર રોડ, પાલીતાણા સુધી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વવાયેલા અઢળક વૃક્ષો તેમજ 54 જેટલાં મિયાવાકી જંગલો જોવા મળે છે. મિયાવાકી જંગલોનાં નિર્માણમાં સદભાવના વૃદ્ધાશ્રમને ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. ખાસ કરીને આ મિયાવાકી જંગલોના નિર્માણ માટે નિવૃત્ત ડી.એફ.ઓ ચુનીભાઈ વરસાણીનું મહત્વનું યોગદાન રહ્યું છે.

ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનાં સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃધ્ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સૉસાયટીઓમાં જાણીતું બન્યું છે. તે રાજ્યને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહયું છે જે અંતર્ગત ખૂબ ટૂંકા સમયમાં 15,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે. તેના જતન માટે સંસ્થાનાં 120 ટ્રેકટર ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 600 લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે. સંસ્થાના તમામ અભિયાન પાછળ અંદાજીત 80 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.  સંસ્થાને વૃક્ષારોપણનાં કાર્ય માટે ગુજરાત સરકાર તરફથી સંસ્થાનાં યુવા અને તરવરીયા પ્રમુખ વિજયભાઈ ડોબરિયાને  ‘વન પંડિત’  એવાર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.

સંસ્થા દ્વારા ‘પીપળીયા ભવન’, સ્વામીનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડી-માર્ટ વાળી શેરી, રાજકોટ ખાતે વૃદ્ધાશ્રમ પણ ચલાવવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 360 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 150 વડીલો તો પથારીવશ (ડાઇપર વાળા) છે તેમજ સંસ્થા દ્વારા બળદ આશ્રમ પણ ચલાવામાં આવે છે જેમાં 500 બળદોને આશરો અપાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.