સાંપ્રા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ
ભાઈઓ અને બહેનો માટેની ખો-ખો સ્પર્ધાની તમામ કેટેગરીમાં સાંપ્રા પ્રાથમિક શાળાની ટીમો વિજેતા બની
માહિતી બ્યુરો, પાટણ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૧નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણની જીલ્લા કક્ષાની ખેલ મહાકુંભની ખો-ખો સ્પર્ધા સરસ્વતી તાલુકાની સાંપ્રા પ્રાથમિક શાળા ખાતે તા.૦૬/૦૫/૨૦૨૨ અને તા.૦૭/૦૫/૨૦૨૨ એમ બે દિવસ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અં-૧૪, અં-૧૭, ઓપન એજ એમ ત્રણ વયગૃપના કુલ ૩૫૦ જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ભાઈઓમાં અં-૧૪, અં-૧૭ અને ઓપન એજમાં તથા બહેનોમાં અં-૧૪, અં-૧૭ અને ઓપન એજ તમામમાં પ્રથમ ક્રમે સાંપ્રા પ્રાથમિક શાળાની ટીમો વિજેતા થઇ હતી. આ પ્રસંગે એસ.એમ.સી. સાંપ્રાના અધ્યક્ષશ્રી અશોકસિંહ વાઘેલા, સાંપ્રા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી નયનાબેન ઝાલા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વીરેન્દ્ર સી.પટેલ, પાટણ વ્યાયામ મંડળના પ્રમુખશ્રી કુબેરભાઈ ચૌધરી, સ્પર્ધાના સહકન્વિનર અને વ્યાયામ શિક્ષકશ્રી રાજેન્દ્રકુમાર ચૌધરી, ખો-ખો સ્પર્ધાના કોચશ્રી જીમીતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.