ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય શાખા જીલ્લા પંચાયત ભરૂચને એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સરકારશ્રીની આરોગ્યની સુવિધાઓમાં મદદરૂપ થવા ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી રમેશભાઈ કાસોન્દ્રા દ્વારા છેવાડાના ગ્રામજનોને આરોગ્ય માટેની તાત્કાલિક સેવાઓ મળી રહે એ માટે રૂ.૧૮ લાખની કિંમતની એમ્બ્યુલન્સ આરોગ્ય શાખા જીલ્લા પંચાયત- ભરૂચને અર્પણ કરવા જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને ચાવી અર્પણ કરવામાં આવી હતી.
આ વેળાએ જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ.આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ ગ્રામ વિકાસ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી છેવાડાના ગ્રામજનોની આરોગ્યની સુવિધાઓ માટે એમ્બ્યુલન્સ ધણી ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું હતું.
ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જીલ્લામાં મહિલાઓ અને બાળકોના શિક્ષણ,આરોગ્ય, આજીવિકા, કોવિડ, રીલીફ જેવી અનેકવિધ પ્રવૃતિઓ સામાજિક ઉત્થાન માટે વર્ષ-૨૦૦૧થી કાર્યરત છે તેમ સ્થાપક ટ્રસ્ટી રમેશભાઈએ જણાવ્યું હતું.