પેટ્રોલપંપ ઉપર રિવોલ્વરની અણીએ બે લૂંટારૂઓએ હજારોની લૂંટ ચલાવતા ચકચાર
બાઈક ઉપર આવેલા બે બુકાનીધારીઓએ લૂંટને અંજામ આપતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.
અંદાજીત ૩૦હજારથી વધુની રોકડ રકમ લૂંટી લૂંટારૂઓ રફુચક્કર થતા પોલીસ કાર્યવાહીની તજવીજ.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લામાં વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ પેટ્રોલપંપ ઉપર રિવોલ્વરની અણીએ લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ત્યારે હાલ તો સીસીટીવ ફૂટેજના આધારે વાગરા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાગરાના ચાંચવેલ ગામના પેટ્રોલપંપ ઉપર ગત મોડી રાત્રે બે જેટલા બુકાનીધારી લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપી હતી.
પેટ્રોલપંપ ઉપર ત્રાટકેલા બે લૂંટારૂઓએ રિવોલ્વર બતાવી પેટ્રોલપંપના કર્મચારીને ઓફિસમાં લઈ ગયા હતા.જ્યાં તેને માર મારીને ભયભીત કરી ઓફિસમાં રહેલી રોકડ રકમની માંગણી કરી હતી.જેમાં અંદાજે ૩૦ હજાર રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારૂઓએ કર્મચારીને ઓફિસમાં જ બંધ કરી ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટનાની જાણ પેટ્રોલપંપના સંચાલકને થતાં પોલીસને બનાવની જાણ કરી હતી.બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ સહિત નાયબ પોલીસ અધિક્ષક,એલ.સી.બી અને એસ.ઓ.જીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વહેલી તકે લૂંટારૂઓનું પગેરૂ મેળવવા તજવીજ હાથધરી છે.લૂંટના બનાવ ને લઈ વાગરા પંથકમાં હાહાકાર મચી જવા પામી હતી.