Western Times News

Gujarati News

વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૯૨ કરોડના ખર્ચે ૫૪૫ રાજમાર્ગોનું નિર્માણ

હજુ ૪૧૧ કિલોમિટરના ૧૪૬ માર્ગોના સુદ્રઢીકરણની કામગીરી પ્રગતિ હેઠળ, રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષમાં જિલ્લામાં કુલ ૫૨૨ માર્ગોના કામો મંજૂર કરાયા

 આલેખન – દર્શન ત્રિવેદી

વડોદરા, પાણીના પ્રવાહ માફક સડસડાટ જઇ શકાય એવા રાજમાર્ગો ગુજરાતની આગવી ઓળખ છે. આ વાતની પ્રતીતિ ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓને થયા વિના રહેતી નથી. આ માર્ગના નિર્માણ અને જાળવણીનું કામ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં ત્રણ જ વર્ષમાં ૫૪૫ કિલોમિટર લાંબા માર્ગોનું રૂ. ૧૯૨ કરોડના ખર્ચથી નવીનીકરણ, વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે. હજુ ૪૧૧ કિલોમિટરના ૧૪૬ માર્ગોના સુદ્રઢીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે.

વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી કમલેશ થોરાતે ઉક્ત બાબતે સમીક્ષાત્મક માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા જિલ્લામાં કુલ ૫૨૨ માર્ગોના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧૨ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે, ૧૪૬ કામો પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ટેક્નિકલ અને વહીવટી મંજૂરી, ટેન્ડરિંગ પ્રક્રીયામાંથી પસાર થઇ હવે શરૂ થનાર છે. રાજ્ય સરકારે ઉદ્દાતભાવે વડોદરા જિલ્લામાં કુલ રૂ. ૧૦૦૮ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

હાલની સ્થિતિએ રાજ્ય અને પંચાયત હસ્તક એમ બન્ને મળીને વડોદરા જિલ્લામાં માર્ગોની લંબાઇની વિગતો જોઇએ તો રાજ્ય ધોરી માર્ગ ૭૦૯ કિ. મિ., મુખ્ય જિલ્લા માર્ગો ૪૮૨ કિ. મિ., અન્ય જિલ્લા માર્ગ ૨૫૩ કિ. મિ., આયોજન હેઠળના ગ્રામ્ય માર્ગો ૫૦૨ કિ. મિ. અને બિનઆયોજન હેઠળના ૧૨૩૧ મળી કુલ ૩૧૭૯ કિલોમિટર માર્ગો છે. મજાની વાત તો એ છે કે, આ ૩૧૭૮ પૈકી ૯૩૦ કિલોમિટર માર્ગ ઉપર નાનામોટા કુલ ૪૪ પૂલો, કલવર્ટ મળી ૧૪૧૦ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. જ્યારે, પંચાયત હસ્તકના માર્ગો ઉપર નાનામોટા ૧૮ પૂલો, ૨૪૯૫ પૂલિયા મળી કુલ ૨૫૧૩ સ્ટ્રક્ચર હયાત છે.

આ ઉપરાંત, ૧૩૧૨ કિલોમિટર લાંબી નર્મદા નદી ઉપર માલસર પાસે રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી ૫૬મો પૂલ બનાવવામાં આવી રહ્યો છે. એવી જ રીતે કરજણ તાલુકાના મોટી કોરલ અને ઝઘડિયા તાલુકાના ભાલોદને જોડવા રૂ. ૧૭૨ કરોડના ખર્ચથી બનનારા પૂલનું કામ શરૂ થનાર છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં વિવિધ સરકારી બાંધકામોના નિર્માણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં સાવલી અને વાઘોડિયા ખાતે સબ રજીસ્ટ્રાર કચેરીનું નવીનીકરણ, રૂ. ૧૯ કરોડના ખર્ચથી આદર્શ નિવાસી શાળા, સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, જંતુનાશક પ્રયોગ શાળા, સંયુક્ત બાગાયત નિયામકની કચેરીના બાંધકામની કામગીરી ચાલી રહી છે.

ગુજરાતના નાગરિકોને પરિવહન માટે ઉત્તમ માર્ગો મળે એ માટે તેનું નવીકરણ કરવાનો ઉજ્જળ રસ્તો તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રશસ્ત કર્યો છે. તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આ વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદી આગળ ધપાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.