Western Times News

Gujarati News

ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.૨ની આર્થિક સહાય : કુલ રૂ.૧૦૦ કરોડની માતબર રકમ ફાળવાઇ : કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલ

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને ખેડૂત દીઠ મહત્તમ ૨૫,૦૦૦ કિલોના વેચાણ સુધી મહત્તમ રૂ.૫૦,૦૦૦ની સહાય

ખેડૂતોની આવક વધારવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ એ.પી.એમ.સીમાં ખેડૂત દ્વારા વેચાણ થતી ડુંગળી માટે ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.૨ની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં એક ખેડૂત દીઠ મહત્તમ ૨૫,૦૦૦ કિલોના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦/- સુધી મળવા પાત્ર થશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.૧૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે તેમ કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલે જણાવ્યુ હતું.

કૃષિ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં રવી ઋતુમાં અંદાજીત ૮૮,૦૦૦ હેક્ટરથી વધારે વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થયું છે. જે સામાન્ય વાવેતર વિસ્તાર કરતાં વધારે હોઈ સરેરાશ અંદાજે વધુ ઉત્પાદન થયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારની વિવિધ APMCઓમાં ડુંગળીની ભારે માત્રામાં આવક થઇ છે. પરિણામે ૧ એપ્રિલથી એ.પી.એમ.સી માં ડુંગળીના વેચાણ ભાવ ઘટ્યા છે. પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવા માટે અનેક રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.

રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દાખવતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડુંગળી પકવતાખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ માન. મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે વિવિધ APMCમાં ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતોની દેખરેખ અને નિરિક્ષણની કામગીરી, ખેતબજાર નિયામક અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા કરવાની રહેશે. આ યોજનાના અમલીકરણની કામગીરી જે તે જિલ્લાની બજાર સમિતિ અને જિલ્લા રજિસ્ટ્રારે કરવાની રહેશે.ખેડૂતોના ખાતામાં DBTથી સહાય ચૂકવવામાં આવશે. કૃષિ મંત્રીશ્રીએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રીનો ખેડૂતો વતી આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.