અનેક પરિવારોએ નાગરિકતા માટે અરજી કરી પણ કોઈ પ્રગતી નથી થઈ

નવી દિલ્હી, ધાર્મિક ઉત્પીડનના આધાર પર ભારત પહોંચેલા ૮૦૦ પાકિસ્તાની હિન્દુ પરિવારોને નાગરિકતા મેળવવા મુદ્દે નિરાશા સાંપડી છે.
એક અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૨૧માં નાગરિકતા માટે ભારત આવેલા ૮૦૦ પાકિસ્તાની હિન્દુ પરિવારો પાડોશી દેશ પરત ફર્યા છે. ભારતમાં પાકિસ્તાની અલ્પસંખ્યક પ્રવાસીઓના અધિકારોની વકીલાત કરનારા સીમાંત લોક સંગઠન (એસએલએસ) દ્વારા કરવામાં આવ્યો છે.
આ પૈકીના અનેક હિન્દુ પરિવારોએ ભારતીય નાગરિકતા માટે ઓનલાઈન અરજીઓ કરી હતી. જાેકે નાગરિકતા અરજી મુદ્દે કોઈ ખાસ પ્રગતિ ન જણાતા અનેક પરિવારો પાકિસ્તાન પરત ફર્યા છે.
એસએલએસના અધ્યક્ષ હિંદુ સિંહ સોઢાના કહેવા પ્રમાણે નાગરિકતા ન મળ્યા બાદ તેઓ જ્યારે પાકિસ્તાન પરત જાય છે ત્યારે પાકિસ્તાની એજન્સીઓ તેમનો ઉપયોગ ભારતને બદનામ કરવા માટે કરે છે. સોઢાએ જણાવ્યું કે, આવા લોકોને મીડિયા સમક્ષ રજૂ કરીને પોતાના સાથે ભારતમાં દુર્વ્યવહાર થયો તેમ કહેવા દબાણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વર્ષ ૨૦૧૮માં ઓનલાઈન નાગરિકતા આવેદન પ્રક્રિયા શરૂ કરી હતી. આ પ્રક્રિયા અંતર્ગત ૭ રાજ્યોના ૧૬ કલેક્ટરને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ, ઈસાઈઓ, શીખો, પારસી, જૈન અને બૌદ્ધ લોકોને નાગરિકતા આપવા માટે ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ મે ૨૦૨૧માં ગૃહ મંત્રાલયે ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના વધુ ૧૩ જિલ્લા કલેક્ટર્સને નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ની કલમ ૫ (નોંધણી) અને ૬ અંતર્ગત ૬ સમુદાય સાથે સંબંધીત અરજીકર્તાઓને ભારતીય નાગરિકતા પ્રમાણ પત્ર આપવાનો અધિકાર આપ્યો હતો.
નાગરિકતા આવેદનની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે પંરતુ પોર્ટલ એવા પાકિસ્તાની પાસપોર્ટને માન્ય નથી રાખતી જેમની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ હોય. આ કારણે પાકિસ્તાનથી ભારત આવેલા શરણાર્થીઓ પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગને મોટી રકમ ચુકવવા મજબૂર બને છે.SSS