ગોધરાના વાવડી ટોલ પ્લાઝાને હટાવવા માટે પંચમહાલ સાંસદની રજૂઆત

ગોધરા,ભારત સરકારના માર્ગ વાહન વ્યવહાર અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં ટોલ પ્લાઝા જો 60 કી.મીમાં બે ટોલ પ્લાઝા હશે તો તેઓના દ્વારા લેવાતો ટોલ ટેકસ ગેરકાયદેસર છે . જેથી આવા બે ટોલ પ્લાઝામાંથી એક ટોલ પ્લાઝા ૩ માસની અંદર બંધ કરવાની જાહેરાત કરી હતી . અમદાવાદ- ઇન્દોર હાઇવે પર 60 કી.મીમાં બે ટોલ પ્લાઝા આવેલા હોવાની પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ભારત સરકારના માર્ગ વાહન વ્યવહાર અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે ઇન્દોર અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગોધરા શહેર નજીક આવેલા વાવડી ટોલ પ્લાઝા હાલ કાર્યરત છે .
જેના કારણે ગોધરા થી ડાકોર રાજા રણછોડરાયનાં દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માત્ર ૫ કી.મી. જ આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે . જેમાં તેઓને પૂરો ટોલ ટેકસ ચૂકવવો પડે છે .
ત્યારે આ ટોલ પ્લાઝાને હટાવવામાં આવે તો સ્થાનિક લોકોની સાથે સાથે ભગવાન રણછોડરાય દર્શન હેતુ જવા વાળા શ્રદ્ધાળુઓ તેમજ આણંદ અમૂલ ડેરી અને અન્ય મોટા શહેરોમાં જવાવાળા લોકોને આ ટોલ પ્લાઝા માંથી મુક્તિ મળશે . ત્યારે પંચમહાલ સાંસદ દ્વારા મંત્રીને અનુરોધ કરવામાં આવ્યો છે કે ગોધરા પાસેનો વાવડી ટોલ પ્લાઝા જનહિતને ધ્યાનમાં રાખી હટાવવામાં આવે .
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા