આ ખેડૂત આપે છે છોકરીઓને મફત ક્રિકેટ ટ્રેનીંગ, 5 ગુજરાતની ટીમમાં

ખેડૂતે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી છોકરીઓને મફત ટ્રેનિંગ આપી, ૫ ખેલાડી ગુજરાતની ટીમમાં: ૧ કેપ્ટન
સુરત, સુરતના ઉંબેર ગામના ખેડૂત ધનસુખ પટેલે ગામમાં જ ૨૫ વીઘા જમીન પર માટી કામ પાછળ લાખો રૂપિયા ખર્ચીના ગ્રાઉન્ડ બનાવી ગુજરાતની મહિલા અને પુરુષ ટીમને ૮ ખેલાડીઓ આપ્યા છે. તેઓ અત્યાર સુધીમાં એક હજારથી વધુ બાળકોને ક્રિકેટની તાલીમ આપી ચુક્યા છે.
તેઓ ગામડાઓમાં જઈ ટેલેન્ટેડ ખેલાડીઓ શોધે છે અને એમને હોસ્ટેલમાં રાખે છે. આ છોકરા કે છોકરીઓના ભણવા-રહેવા સહિતની તમામ સગવડો પૂરી પાડે છે. ધનસુખ પટેલે જણાવ્યું હતું કે, હું કોઈ પાસે દાન રૂપે પૈસા નથી લેતો. મારી પોતાની આવકમાંથી ૭૫ ટકા રકમ બાળકો અને સામાજિક પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરું છું.
તેમના હસ્તે તાલીમ લઈ ચૂકેલી ઘણા બાળકો હાલ વિવિધ ક્ષેત્રે નામ કમાઈ રહ્યાં છે. એમની શિષ્યા રેણુકા ચૌધરી ગુજરાત મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. તે ઈન્ડિયા બ્લુ તરફથી વાઈસ કેપ્ટન પણ રહી ચૂકી છે. તોરલ પટેલ અને પ્રાપ્તિ રાવલ સિનિયર મહિલા ક્રિકેટ ટીમ માટે રમે છે.
જયા રામુ જેવી ખેલાડીને ટેલેન્ટ સર્ચ થકી દીવથી લાવીને ઘરે રાખીને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. તેઓ શહેર કે ગામડાઓમાંથી આવતી તમામ છોકરીઓને વિનામૂલ્યે ટ્રેનિંગ આપે છે. એમણે સંકલ્પ લીધો છે કે, તેમને ત્યાં ટ્રેનિંગ મેળવતી છોકરીઓને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન અપાવવું છે.
પૂર્વ મહિલા સિલેક્ટર ધનસુખભાઈ કહે છે કે, રણજી કે ઈન્ડિયાની ટીમમાં આવવા માટે સારા કોચ, સાચું મેનેજમેન્ટ હોવું જરૂરી છે. ટેલેન્ટેડ પ્લેયરને પૂરતી પ્રેક્ટિસ મળવી જાેઈએ અને જે ખેલાડીઓ તૈયાર થઈ ચૂક્યા છે તેઓને પરફોર્મ કરવાનો મોકો આપવો જાેઈએ.