અમદાવાદમાં 47 ડિગ્રી ગરમી: હજુ પણ હીટવેવની આગાહી
અમદાવાદ, એપ્રિલ મહિનાથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો હાઈ રહ્યો છે. જ્યારે મે મહિનામાં તો તાપમાન 40થી 44 ડિગ્રીની વચ્ચે જ નોંધાઈ રહ્યું છે. બીજીતરફ હવામાન વિભાગે 2-3 દિવસ અમદાવાદમાં હીટવેવની આગાહી કરી હતી.
જેમા સોમવાર અને મંગળવારે શહેરમાં ગરમીનો પારો 45થી વધુ ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું છે. છેલ્લા 11 વર્ષની વાત કરીએ તો 2011થી 2022 સુધીમાં સૌથી વધુ 48 ડિગ્રી ગરમી 2016માં પડી હતી. ત્યારબાદ આજે ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોંચ્યો છે. હજુ પણ કાલે કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી છે.
બેકાબુ સૂર્યપ્રકોપને જોતા હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સિવાય વડોદરામાં 45, મહેસાણા-હિંમતનગરમાં 45, ગોધરા-ખેડબ્રહ્મામાં 45, નડીયાદ, ધોળકામાં 45, ભાવનગર-અમરેલીમાં 43 અને રાજકોટ જૂનાગઢમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે, રણ-સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે.
જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હિટવેવથી ગરમીનો પારો વધ્યો છે.