યુપી: આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી પર EDના દરોડા
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી પર EDએ દરોડા પાડ્યા છે. EDની ટીમ તપાસ માટે લખનૌથી રામપૂરમાં જૌહર યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી હતી. EDની ટીમ તહસીલદાર પ્રમોદ કુમાર સાથે આઝમ ખાનની યુનિવર્સિટી ગઈ હતી. સાથે રેવન્યુ ટીમ પણ હતી.
તમને જણાવી દઈએ કે EDએ આઝમ ખાન અને તેમની સાથે સંબંધિત અન્ય મામલાઓનો રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી માંગ્યો હતો. હવે આજે EDની ટીમ અને રામપુર રેવન્યુ વિભાગના અધિકારીઓ બંને યુનિવર્સિટીમાં શત્રુ સંપત્તિની તપાસ કરી હતી.
મંગળવારે જ અલાહાબાદ હાઈકોર્ટે શત્રુ સંપત્તિ હડપ કરવાના કેસમાં આઝમ ખાનને વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે રામપુરના મેજિસ્ટ્રેટને 30 જૂન 2022 સુધી જૌહર વિશ્વ વિદ્યાલયના પરિસરમાં સ્થિત શત્રુ સંપત્તિનો કબજો લેવા અને બાઉન્ડ્રી વોલ ઊભી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ન્યાયાધીશ રાહુલ ચતુર્વેદીએ તેમના નિર્દેશમાં જણાવ્યું હતું કે, આઝમ ખાનના વચગાળાના જામીનને જિલ્લા મેજિસ્ટ્રેટ રામપુરના સંતોષ મુજબ જમીનનો કબજો લેવાની કવાયત પૂર્ણ થયા બાદ નિયમિત જામીનમાં ફેરવવામાં આવશે.
13.842 હેક્ટરની વિવાદિત જમીન ઈમામુદ્દીન કુરેશી નામના એક વ્યક્તિની હતી જે દેશના ભાગલા બાદ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને તેમણે ભારતની નાગરિકતા છોડીને પાકિસ્તાનની નાગરિકતા અપનાવી હતી