Western Times News

Gujarati News

અમદાવાદમાં ૧૪ અને ૧૫ મેના રોજ રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે

અમદાવાદ, અમદાવાદ શહેરમાં હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હવે ડોકટરો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના મૂડમાં છે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન દ્વારા સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે ૧૪ અને ૧૫ મેના રોજ બે દિવસ હડતાળનું એલાન કરીને બે દિવસ સંપૂર્ણપણે હોસ્પિટલો બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ડોકટરોએ અવારનવાર રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ ર્નિણય લેવામાં ન આવતાં છેવટે ડોકટરો હડતાળ કરશે.

આ હડતાળના કારણે હજારો દર્દીઓને તકલીફનો સામનો કરવો પડી શકે છે. જેના માટે ડોકટરોએ માફી પણ માગી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે, “ફુટપાથ ઓપીડી” જેવા કાર્યક્રમો યોજશે.

ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે ૨૦૧૪ પહેલા જે હોસ્પિટલ બની કે બિલ્ડીંગ બની તેને બીયુ પરમિશન લેવા માટે તકલીફ પડી છે. મોટી હોસ્પિટલમાં જે નિયમો લાગુ કરવામાં આવ્યા તે જ નાના ક્લિનિક અને નર્સીગ હોમ્સ માટે લાગુ કરવામાં આવ્યો છે.

સરકાર અને કોર્પોરેશનને અપીલ છે કે જે ૪૦૦ હોસ્પિટલનું સી ફોર્મ રિન્યુઅલ નથી થયું તેમાં બીયુનો નિયમ રદ કરવામાં આવે અને ફરી ઉંડાણપૂર્વક વિચારણા કરવામાં આવે.

નાના ક્લિનિક અને નર્સીગ હોમ્સ માટે નિયમો માટે વિચારવાની જરૂર છે. તમામ હોસ્પિટલ તેમજ નસિંગ હોમ્સમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી છે. તમામને કાયદા લાગુ પડે તે રીતે કરવું. જાે આ નિયમ રહેશે તો આગળ જતાં ૯૦૦ હોસ્પિટલ બંધ થશે. એટલે કે ૫૦ હોસ્પિટલો અમદાવાદમાં બંધ થઈ જશે.

સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં એક સાથે ફોમ ‘સી’ રીન્યુ ન થવાથી આ તમામ નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને તાળા મારવાની નોબત આવી ગઈ છે. વર્ષ ૧૯૫૯થી ૨૦૨૧ સુધી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજાે આપતા આવ્યા છીએ અને તેમનું સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવ્યું છે.

૨૦૨૧ ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજીયાત કરી દેવાયું છે. જેના કારણે આ ગંભીર પરિસ્થિતી ઉભી થઈ છે. હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સનું રજીસ્ટ્રેશન,સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલિફીકેશનની ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે. ક્યારેય બી.યુ. પરમિશનની જરૂરિયાત ઉભી કરવામાં આવી નથી.આ ઉપરાંત બી.યુ. ની જરૂરિયાત ફક્ત અમદાવાદ ખાતે જ ઉભી કરવામાં આવી છે.

સી ફોર્મ એટલે બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ત્યારે આ ફોર્મ ભરીને આપવાનું હોય છે. જેમાં હોસ્પિટલ અંગેના અને ડોક્ટરની માહિતી અંગેના સર્ટીફિકેટ સહિતની વિગતો રજુ કરવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સી.ફોર્મમાં નવો નિયમ અચાનક જ લાવી દેવામાં આવ્યો છે. જેમાં પહેલા સી ફોર્મમાં બીયુ પરમીશનના કાગળની જરૂરિયાત હતી નહીં પરંતુ કોર્પોરેશન દ્વારા આ બીયુ પરમિશનનો ફરજિયાત કાગળ રજુ કરવા માટે જણાવ્યું છે.

સી ફોર્મના રીન્યુઅલમાં બીયુ પરમીશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડી શકે છે. કારણ કે અનેક એવી હોસ્પિટલો વર્ષો જુની બિલ્ડિંગોમાં છે જ્યાં બિયુ પરમીશન છે જ નહીં.

જેથી જાે આ નિયમ લાગુ કરવામાં આવે તો અનેક હોસ્પિટલો બંધ થઈ શકે છે. રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જેવા શહેરોમાં આ નિયમ લાગુ કરાયો નથી પરંતુ અમદાવાદ મ્યુનિ. દ્વારા આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.