આંધ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ, વહીવટી તંત્ર એલર્ટ
નવી દિલ્હી, આંધ્રપ્રદેશમાં ‘અસાની’ વાવાઝોડુને લઈને હવામાન વિભાગે ચેતવણી બહાર પાડી છે. આ દરમિયાન પ્રદેશના કાકીનાડા જિલ્લાના કેટલાક વિસ્તારમાં બુધવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે.
આઈએમડીના જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક કલાકો માટે ચક્રવાતના ઉત્તર પશ્ચિમ તરફ વધવાની અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા નજીક બંગાળની ખાડીમાં પશ્ચિમ-મધ્ય સુધી પહોંચવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે જ ઓડિશાના વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ કહ્યું હતું કે, ચક્રવાત અસાની બુધવારે સવારે આંધ્રના કિનારે કાકીનાડા પહોંચવાની શક્યતા છે.
ચક્રવાત સાથે સંકળાયેલી મહત્વની બાબતોઃ ૧. કાકીનાડાના થિમ્માપુરમ પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર રામા ક્રિષ્નાએ જણાવ્યું કે, દરિયા કિનારેનો રસ્તો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. અમે ૨ ચેક પોસ્ટ લગાવીને ટ્રાફિકને તે તરફ જતા રોકી રહ્યા છે. અમે સંપૂર્ણપણે એલર્ટ છીએ.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે ખૂબ જ તીવ્ર ચક્રવાત ‘અસાની’નો સામનો કરવાની તૈયારીઓની તપાસ કરી હતી જે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારાથી દૂર બંગાળની ખાડી ઉપર વધી રહ્યું છે. જ્યાં નાગરિકોની સહાયતા માટે બચાવ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી.
પશ્ચિમ બંગાળમાં ૧૨ ટીમો તૈનાત કરવામાં આવી છે અને ૫ ટીમોને તૈયાર રાખવામાં આવી છે અને જરૂર પડવા પર વધારાની ટીમો પણ મદદ માટે તૈયાર છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાત ૧૧ મેના રોજ બપોર સુધી કાકીનાડ-વિશાખાપટ્ટનમ દરિયાકિનારા પાસે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાનું અનુમાન છે. ત્યારબાદ તે કાકીનાડ અને વિશાખાપટ્ટનમની વચ્ચે આંધ્ર પ્રદેશના દરિયાકિનારા તરફ આગળ વધી શકે છે.
આઈએમડીના જણાવ્યા પ્રમાણે ચક્રવાતના કારણે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૭૫-૮૫ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને ૯૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ઓડિશાના દરિયાકાંઠા પર ૪૫-૫૫ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને ૬૫ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રફ્તાર સાથે પવન ફૂંકાવાનું અનુમાન છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહ સચિવે કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓને સ્થિતિ પર સતત નજર રાખવા તથા કોઈ પણ પ્રકારની મદદ માટે આંધ્ર પ્રદેશ તથા ઓડિશાના તંત્રના સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે.
આઈએમડીચક્રવાત પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૨૦ રાષ્ટ્રીય બુલેટિન જારી કર્યા છે. તે સતત સ્થાનિક તંત્રને ચક્રવાતની સ્થિતિ વિશે માહિતગાર કરી રહ્યો છે અને લોકોના જીવ બચાવવાના ઉપાયો સૂચવી રહ્યો છે.
હવામાન વિભાગ કાર્યાલયે કહ્યું કે, પશ્ચિમ-મધ્ય અને તેમની નજીક દક્ષિણ બંગાળની ખાડીમાં સમુદ્રમાં ખૂબ જ તીવ્ર હળચળ બની રહેવાના અણસાર છે.
ઓડિશાના ખૂર્દા, ગંજામ અને પુરીમાં મંગળવારે સવારે પણ વરસાદ પડ્યો હતો. વિશેષ રાહત કમિશનર પી.કે. જેનાએ જણાવ્યું હતું કે, સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે કે ભારે વરસાદ અને તેના કારણે પાણી ભરાવાની સ્થિત ઉત્પન્ન થઈ શકે છે તથા ચાર દરિયાકાંઠાના જિલ્લાઓના ૧૫ બ્લોકમાંથી લોકોને સ્થળાંતર કરવાનું પણ કહેવામાં આવ્યું છે.SSS