ગોધરાના નદીસર ગામમાં તળાવોની માટી વેચાણ થતી હોવાનો આક્ષેપ
ગોધરા,ગોધરા તાલુકાના નદીસર ગામના વડા તળાવ , રાજેરાવ તળાવ , છબાસર તળાવને સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉડાં કરવાની કામગીરી ચાલી રહી છે . આ તળાવોની માટીનું બારોબારો વેચાણ થતું હોવાના આક્ષેપ કરતી રજૂઆત નદીસર ગ્રામજનોએ જિલ્લા પાનમ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરને કરી હતી .
ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં જણાવેલ કે નદીસર ગામના તળાવોના ખોદકામમાં નીકળતી માટી ખેડૂતોના હિતમાં તેમજ ગામના હીતમાં કામ કરવાની હોય છે . પરંતુ ઇજારદાર દ્વારા માટીનું પંચાયત માર્ગ અને મકાન વિભાગના ઇજારદારોને વેચાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો . ગ્રામજનોના હિતમાં માટી વાપરવાને બદલે ઇજારદાર માટી વેચાણ કરતા હોવાનો આક્ષેપ કરીને માટી રોડની સાઇડ ઉપર પુરવાથી ચોમાસામાં ચીકણી માટીથી અગવડ પડશે .
જેથી આવી એજન્સીઓ રદ કરવામાં આવે અને તળાવની ખોદકામની માટી પરત લઇને ગામલોકના હીતમાં તળાવ પર અવરજવર માટે કેનાલની બાજુમાં કે કોઇ ખેડૂતના ખેતરમાં નાખવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે .