સંશોધન પ્રવૃત્તિઓ ની ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા એ વિગતવાર માહિતી મેળવી
પ્રથમ પ્રસંગ: ૧૯૪૭ માં સ્થાપિત અને ૧૯૮૫ થી સંપૂર્ણ સરકારી અનુદાન આધારિત ઔધોગિક સંશોધન સંસ્થા ગિરડાની પ્રથમવાર મંત્રીશ્રી એ મુલાકાત લીધી.
આ સંસ્થા નળ સે જળ યોજનામાં ઉપયોગમાં લેવાતી પાઇપોની ગુણવત્તા પ્રમાણિત કરે છે.
વડોદરા, ૧૯૪૭ માં સ્થાપિત અને ૧૯૮૫ થી સંપૂર્ણ પણે સરકારના અનુદાન આધારિત ઔધોગિક સંશોધન સંસ્થા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી – ગીરડા ની ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ( પંચાલ) એ મુલાકાત લીધી હતી અને પ્રયોગશાળાઓનું નિરીક્ષણ કરીને ઉધોગોને ઉપયોગી સંશોધન પ્રવૃત્તિઓ ની વિગતવાર જાણકારી મેળવી હતી. સંસ્થાની સ્થાપના પછી કોઈ મંત્રીશ્રી એ આ સંસ્થાની મુલાકાત લીધી હોય એવો આ પ્રથમ પ્રસંગ હતો.
મંત્રીશ્રીએ દેશ અને રાજ્યના ઔધોગિક વિકાસમાં આ સંસ્થા કેવી રીતે યોગદાન વધારી શકે,સમયની માંગ પ્રમાણે કંઈ નવીન ટેસ્ટિંગ સુવિધાઓ વિકસાવી શકાય એનું પ્રેઝેંટેશન બનાવવા સૂચના આપી હતી.આ સંસ્થાની પ્રમાણભૂત ચકાસણી સુવિધાઓ નો ઉદ્યોગો વધુ લાભ લઈ શકે તે માટે મંત્રીશ્રી એ ઇન્ડસ્ટ્રીયલ સેમિનાર યોજવા સૂચન કરવાની સાથે girda ગુણવત્તા સુધારણા માં અગ્રેસર યોગદાન આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.ટેકનિકલ ટેક્ષ્ટાઈલ, ટાયર ઉદ્યોગ ઇત્યાદિ સહિતના નવીન ક્ષેત્રોમાં ખેડાણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
સંરક્ષણ ઉદ્યોગમાં માં પણ નવીન તકો ને લગતી ટેસ્ટિંગ સુવિધાઓ વિકસાવવા ની શક્યતા ચકાસવા અનુરોધ કર્યો હતો.ઔધોગિક વિકાસમાં યોગદાન ની આ સંસ્થાની હાલની ભૂમિકાને વ્યાપક બનાવવા ની તેમણે અપેક્ષા વ્યક્ત કરવાની સાથે નિર્યાતલક્ષી ઉધોગોને મદદરૂપ બનવા જણાવ્યું હતું. ફેઇલર ટેસ્ટિંગ ની સુવિધાઓ સ્થાપીને ઔધોગિક અકસ્માતો ઘટાડવા અને સલામતી વધારવામાં મદદરૂપ બનવા જણાવ્યું હતું.
સંસ્થાના નિયામક શ્રી અમિત ધારવાએ ઔધોગિક ઉત્પાદનોની ચકાસણી તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સહિતની સંસ્થાની સેવાઓની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે નળ સે જળ યોજનામાં વપરાતી તમામ પાઇપો ની ગુણવત્તા અમે પ્રમાણિત કરીએ છે. મુલાકાત દરમિયાન પૂર્વ મેયર શ્રી સુનીલ સોલંકી અને શ્રી જશવંતસિંહ સોલંકી તેમની સાથે રહ્યાં હતા.