Western Times News

Gujarati News

મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર એક્ઝિટ પોઈન્ટ પર ટોલ ટેક્સ લેવાશે

મુંબઈ, દેશમાં હાલ જેટલા પણ હાઈવે પર ટોલટેક્સ લેવાય છે તેમાં મોટાભાગે એન્ટ્રી પોઈન્ટ પર જ ટેક્સ વસૂલવામાં આવે છે. જાેકે, મુંબઈ અને નાગપુર વચ્ચે બની રહેલા ૭૦૧ કિમી લાંબા હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે એક્સપ્રેસ હાઈવે પર માત્ર એક્ઝિટ ગેટ પર જ ટોલ ટેક્સ લેવામાં આવશે.

જેનાથી વાહનચાલકે જેટલા કિલોમીટર સુધી હાઈવેનો ઉપયોગ કર્યો હશે તેને તેટલા કિલોમીટર માટે જ ટોલટેક્સ ચૂકવવો પડશે. મોટાભાગના સ્ટેટ કે નેશનલ હાઈવે પર વાહનચાલકોએ પૂરો કે પછી અડધો ટોલટેક્સ ચૂકવવો પડતો હોય છે, પરંતુ આ સિસ્ટમ દેશમાં પહેલીવાર રજૂ કરવામાં આવી છે, જેમાં હાઈવે પર જેટલું ટ્રાવેલ કર્યું હશે તે પ્રમાણે જ ટોલટેક્સ ચૂકવવાનો રહેશે.

ઉદાહરણ સાથે સમજીએ તો, જાે કોઈ વાહનચાલક ભીવંડીથી શિરડી નજીકના કોકામથાન એક્ઝિટ પોઈન્ટ સુધી ટ્રાવેલ કરશે તો તેને ૩૧૫ રુપિયા જ ટોલટેક્સ આપવો પડશે. આ હાઈવે પર મુંબઈથી નાગપુર સુધી ટ્રાવેલ કરવાનો વન-વે ટોલટેક્સ ૧૨૧૫ રુપિયા રહેશે, જે દર ત્રણ વર્ષે ૧૬ ટકા વધતો રહેશે.

વળી, ટોલટેક્સ કોન્ટ્રાક્ટર્સ કે પછી એજન્ટ્‌સને બદલે સીધો મહારાષ્ટ્ર સરકારને મળશે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાહન જે પોઈન્ટ પરથી હાઈવે પર એન્ટ્રી કરશે ત્યાં તેનો નંબર, એન્ટ્રી ટાઈમ અને લોકેશન નોંધાશે. આ હાઈવેની તમામ લેન ફાસ્ટેગ ટોલ પ્લાઝા ધરાવતી હશે, તેની સાથે કેશ, કાર્ડ, ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈથી પણ ટોલ ટેક્સ ચૂકવી શકાશે.

એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ૫૫,૩૩૫ કરોડ રુપિયા ખર્ચો કરવામાં આવ્યો છે, જે ટોલ ટેક્સ દ્વારા ૪૦ વર્ષમાં રિકવર થાય તેવો અંદાજ છે. આ સુપર એક્સપ્રેસ હાઈવે પર પ્રતિ કિલોમીટરના હિસાબે ટોલટેક્સની ગણતરી કરો તો કારચાલકોને પ્રતિ કિલોમીટર ૧.૭૩ રુપિયા ટોલટેક્સ ચૂકવવાનો રહેશે.

જેમાં ત્રણ વર્ષે ૦ અથવા ૫ની રાઉન્ડ ફીગરમાં વધારો થતો રહેશે. મુંબઈથી ઈગાતપુરી (પિમ્પરી એક્ઝિટ), નાશિક (ગોંડે એક્ઝિટ), ઔરંગાબાદ અથવા ઈલોરા (માલિવાડા એક્ઝિટ) અને લોનાર/શેશગાંવ/કરંજા વાયા સિંદાખેડરાજા એક્ઝિટ માટે અનુક્રમે ૧૩૫, ૨૩૫, ૪૪૦ અને ૬૨૫ રુપિયા ટોલટેક્સ ચૂકવવાનો રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.