કૃષ્ણ જન્મભૂમિ વિવાદના કેસના ઝડપી ફેંસલા માટે કોર્ટને તાકીદ
અલ્હાબાદ, મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે મથુરાની સ્થાનિક કોર્ટને મૂળ વિવાદ સાથે જાેડાયેલી તમામ અરજીઓનો વહેલી તકે ફેંસલો કરવા માટે તાકીદ કરી છે.
આ માટે હાઈકોર્ટે સ્થાનિક અદાલતને ચાર મહિનાનો સમય આપ્યો છે. સાથે સાથે હાઈકોર્ટે કહ્યુ હતુ કે, જાે સુન્ની વક્ફ બોર્ડ અને બીજા પક્ષકારો સુનાવણીમાં સામેલ ના થાય તો એક તરફી આદેશ જાહેર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, મનીષ યાદવ નામના વ્યક્તિએ હાઈકોર્ટમાં જન્મભૂમિ વિવાદ સાથે જાેડાયેલા તમામ કેસની સુનાવણી વહેલી તકે પૂરી કરવામાં આવે તથા તમામ કેસને એક સાથે જાેડીને સુનાવણી કરવામાં આવે તેવી પિટિશન દાખલ કરવામાં આવી હતી.
જેના સંદર્ભમાં હાઈકોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે મથુરાની એક જિલ્લા કોર્ટે વિવાદ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. ૧૯ મેના રોજ કોર્ટ ચુકાદો આપશે કે આ પિટિશન પર સુનાવણી કરવી કે નહીં.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર બનાવાયેલી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગણી બહુ જુની છે. કોર્ટે ૨૦૨૦માં મસ્જિદ હટાવવાની પિટિશન ફગાવી દીધી હતી.SSS