Western Times News

Gujarati News

રાયપુર: એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ક્રેશ થયું હેલિકોપ્ટર: બંને પાયલોટનાં મોત

રાયપુર, છત્તીસગઢના રાયપુરમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર ગુરુવાર રાત્રે સરકારી હેલિકોપ્ટર ઓગસ્ટા વેસ્ટલેન્ડ ક્રેશ થઈ ગયું. ચોપરમાં હાજર બંને પાયલટ્સનાં મોત નિપજ્યાં છે. CM ભૂપેશ બઘેલે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ફોલ્ટના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી મહિતી મુજબ લેન્ડિંગ દરમિયાન ચોપર ઝડપથી જમીન સાથે અથડાયું અને ક્ષતિગ્રસ્ત થઈ ગયું. રેસ્ક્યૂ ટીમ અને પોલીસ ઘટના સ્થળે હાજર છે. મોડી રાત સુધી હેલિકોપ્ટરનો કાટમાળ હટાવવાનું કામ થયું. એરપોર્ટના ડાયરેક્ટરે કહ્યું કે આ દુર્ઘટનાના કારણે રુટીન ફ્લાઈટ પર કોઈ અસર નહીં પડે. તમામ ઉડાન સામાન્ય જ રહેશે.

રાયપુરના SSP પ્રશાંત અગ્રવાલે જણાવ્યું- પ્રદેશ સરકારનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. રાયપુરના એરપોર્ટ પર રાત્રે 9 વાગ્યાને 10 મિનિટે આ દુર્ઘટના ઘટી. ચોપરના બે પાયલટ કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવ ફ્લાઈંગ પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. આ સમયે જ આ દુર્ઘટના ઘટી. ક્રેશમાં બંને પાયલટનાં મોત નિપજ્યા છે. કેપ્ટન પાંડા ઓડિશાના રહેવાસી છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી તેઓ પ્રદેશ સરકારમાં સીનિયર પાયલટનું કામ કરી રહ્યાં હતા. કેપ્ટન શ્રીવાસ્તવ દિલ્હીના રહેવાસી હતા. બંનેને રેસ્ક્યૂ ટીમે કાટમાળમાંથી બહાર કાઢ્યા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ગંભીર રીતે ઘાયલ બંને કેપ્ટનને હોસ્પિટલમાં જ મૃત જાહેર કરી દેવામાં આવ્યા.

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, પ્રશાસનના ઉચ્ચાધિકારી એરપોર્ટ પહોંચી ગયા. જ્યાં એરપોર્ટના અધિકારીઓની સાથે મીટિંગ કરીને દુર્ઘટનાના કારણની જાણકારી લઈ રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.