Western Times News

Gujarati News

ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેતાં ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્યો

Gujarat Vidhansabha

રાજ્યના શાળા શિક્ષણના દરેક પાસાઓનું ઓનલાઇન રીઅલટાઇમ મોનીટરીંગ નિહાળી ડેટા-આધારિત પ્રકલ્પોની જાણકારી મેળવી

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્યોએ તા.૧૧ મે, ૨૦૨૨ના રોજ ગાંધીનગર ખાતેના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. રાજ્યનાં શાળા શિક્ષણના દરેક પાસાઓનું ઓનલાઇન રીઅલટાઇમ મોનીટરીંગ દ્વારા ડેટા-આધારિત પ્રકલ્પોની જાણકારી મેળવી હતી.

ઉપરાંત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે થતી કામગીરી જેવી કે, રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઇન હાજરી, એસેસમેન્ટ, ગુણોત્સવ ૨.૦, ટેક્નોલોજી આધારીત લર્નિગ, જી-શાળા, CRC/BRC મોનિંટરીંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી પ્રાપ્ત કરી હતી.

લગભગ 1000 કરોડ ડેટા સેટનું ઓનલાઇન રીઅલટાઇમ મોનિટરીંગ અને વિશ્લેષણ પણ વિદ્યા સમિક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરિણામોનું વિશ્લેષણ કરી રાજ્યના વિદ્યાર્થીઓ ધોરણ-અનુરૂપ લર્નિંગ આઉટકમ્સ (LO) હાંસિલ કરે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ માટે વિષય-કસોટી-પ્રશ્ન-LO આધારીત સ્ટૂડન્ટ રિપોર્ટ કાર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં આવતા પાંચ વર્ષમાં આશરે રૂ. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે “મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ” હાથ ધરાશે.

આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની કુલ સરકારી શાળાઓ પૈકી ૫૦ ટકા શાળાઓ, એટલે કે ૨૦,૦૦૦ શાળાઓને વિશ્વ-કક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડી ઉત્કૃષ્ટ બનાવાશે. જે થકી રાજ્યની સરકારી શાળાના ૮૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને જે આવનારી પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે મદદરૂપ બનશે.

વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી અને “મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ” પ્રોજેક્ટ વિષેની માહિતીથી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ શ્રી પુંજાભાઇ વંશ સહિત તમામ સભ્યો ખૂબ પ્રભાવિત થયા હતા તેમજ શિક્ષણક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શૈક્ષણિક ગુણવત્તા અભિવૃદ્ધિ માટે આ નવીન પહેલને બિરદાવીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

આ મુલાકાત દરમ્યાન ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ શ્રી પુંજાભાઇ વંશ, સભ્ય સર્વ શ્રી રાકેશભાઈ શાહ, અરવિંદકુમાર પટેલ, ગોવિંદભાઇ પટેલ, ભગાભાઈ બારડ, વિરજીભાઈ ઠુમ્મર, જીતેન્દ્રભાઈ સુખડીયા, વિવેકભાઈ પટેલ તથા રમણલાલ પાટકર ઉપરાંત શિક્ષણ વિભાગના સચિવ શ્રી ડૉ. વિનોદ રાવ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.