પાવાગઢમાં મહાકાળી માતાજીના દ્વાર પર માત્ર ૪૦ સેકેન્ડમાં પહોંચી શકાશે
પાવાગઢ, રાજ્ય સરકારે ધાર્મિક સ્થળ અને આસ્થાનો ધામ એવા પાવાગઢ માટે ૧૩૦ કરોડનો બજેટ ફાળવ્યો છે. આ બજેટથી પાવાગઢની કાયાપલટ કરવામાં આવશે, અને આ ધાર્મિક સ્થળ પર શ્રદ્વાળુઓને સારી એવી સગવડતા મળે તે માટે રાજ્ય સરકાર કટીબદ્વ છે.
પ્રવાસીઓને અગવડતાનો સામનો ન કરવો પડે અને સહેવલાઇથી દર્શન થઇ જાય તે માટે સરકારે ડુંગરને તોડીને લિફટ માટે આયોજન હાથ ધર્યું છે.
પાવાગઢ મહાકાળી માતાજીનાં દર્શન માટે રોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે. માતાજીના ભક્તો માટે એક સારા સમાચાર છે. પાવાગઢ ડુંગર પર એક લિફ્ટનું નિર્માણ થઈ રહ્યું છે, જે તમને ૪૦ સેકન્ડમાં માતાજીના દ્વાર પર પહોંચાડશે. સરકારે પર્વત ખોદીને લિફ્ટ બનાવવાનું આયોજન કર્યું છે.
મહાકાળી મંદિર ગબ્બરને અડીને આવેલા પર્વતને ખોદીને ૨૧૦ ફૂટ ઊંચી, એટલે કે ૩ માળ સુધી જઈ શકે એવી લિફ્ટ બનાવવાના આયોજનને આરંભ કરી દેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાવાગઢમાં ગબ્બર ડુંગર પર કપરા ચઢાણને લીધે અનેક ભક્તોને માતાજીનાં દર્શનમાં મુશ્કેલી આવતી હતી. એને કારણે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ એક લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગબ્બરની બાજુના ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવશે. પર્વતની અંદર ખોદકામ કરવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લિફ્ટ બનવાને કારણે માત્ર ૪૦ સેકન્ડમાં જ માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં મહત્તમ ૧૨ વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે.
આ લિફ્ટ જરૂરિયાતમંદ લોકો, જેવાં કે મહિલા, બાળકો, વૃદ્ધો ઉપયોગ કરી શકે એ માટેની પ્રાથમિક વિચારણા છે. આ લિફ્ટનો ઉપયોગ કરવાનો ચાર્જ પણ લઘુતમ અથવા તો નજીવો રાખવામાં આવે એવી વિચારણા હાલ ચાલી રહી છે. ત્યારે મંદિર સાથે સંકળાયેલા તથા ધાર્મિક આગેવાનો નિઃશુલ્ક લિફ્ટનો ઉપયોગ કરી શકાય એવી રજૂઆત સરકારને કરી રહ્યા છે.
પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે પાવાગઢ મહાકાળી મંદિરની સમગ્ર કાયાપલટ કરી નવો નજારો તૈયાર કરવામાં આવશે. ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે, સાથે જ જ્યાં મંદિર છે એની બાજુમાં ૨૧૦ ફૂટનો ડુંગર છે.
એ ડુંગરને કાપીને તેમજ એમાં ખોદકામ કરીને લિફ્ટ બનાવવાનું આયોજન છે. લિફટમાંથી શ્રદ્ધાળુઓ સીધા જ મંદિરે પહોંચે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ પાવાગઢ મંદિર ખાતે ૩૫૦ પગથિયાં સુધી જ રોપ વે કાર્યરત છે ત્યારે ફેઝ-૩નું કાર્ય કરીને મંદિર સુધી રોપ વેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરની આજુબાજુમાં આવેલા અન્ય બે ડુંગર પર હેલિપેડની સુવિધા, વોક વેની સુવિધા પણ કરવામાં આવશે.
યાત્રિકો માત્ર ૭.૫ મિનિટમાં જ ૩૫૦ પગથિયાં સુધીનું અંતર કાપીને દૂધિયા તળાવ સુધી પહોંચે છે. ત્યાર બાદ યાત્રિકોને મંદિર સુધી પહોંચવામાં બીજા ૩૫૦ પગથિયાં ચડીને જવું પડતું હતું, પણ પાવાગઢ ડેવલપમેન્ટ ફેઝ-૩ની શરૂઆત કરી દેવામાં આવી છે, જેને કારણે બાકીનાં ૩૫૦ પગથિયાં પણ રોપવે દ્વારા જ કાપી શકાય એવી સુધિવા ઉપલબ્ધ થશે.
હાલ આ માટે મટીરિયલ રોપવે શરૂ કરીને પ્રાથમિક કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ નીચેથી ઉપર સુધી કુલ ૭૦૦ પગથિયાંનું અંતર માત્ર ૧૫ મિનિટમાં કાપી શકાશે.HS