Western Times News

Gujarati News

151 કરોડના ખર્ચે પાલનપુરમાં અને મહેસાણામાં રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ

ફાટક મુક્ત ગુજરાત બનાવવાની નેમ સાથે રૂ. ૧૫૧.૨૭ કરોડના ખર્ચે પાલનપુરમાં અને મહેસાણામાં નવનિર્મિત રેલવે ઓવર બ્રિજ અને રાહદારીઓના સબ-વેનું ભારત સરકારના રેલવે અને કપડાં રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશના હસ્તે લોકાર્પણ

ગુજરાતની પ્રજાના સમય, ખર્ચ, ઇંધણ અને શ્રમ બચે એવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર કામ કરી રહી છે. આજે મહેસાણા જિલ્લાના ભાંડુ ખાતે ભારત સરકારના રેલવે અને કપડાં રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશના હસ્તે અને ગુજરાતના માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદી ગરિમામય ઉપસ્થિતિમાં,

(૧) ઊંઝા- ભાંડુ મોટી દાઉ સેક્શનમાં લેવલ ક્રોસિંગ સંખ્યા ૨૦૮ના ઓવર બ્રિજનું સ્થળ પર જઇને લોકાર્પણ કર્યું હતું અને ઊંઝા- ભાંડુ મોટી દાઉ સેક્શનમાં લેવલ ક્રોસિંગ સંખ્યા ૨૦૬ના ઓવર બ્રિજ (૨) પાલનપુર-ઉમરદશી સેક્શનમાં લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૭૦ ઉપરનો ઓવર બ્રિજ

(૩) પાલનપુર સ્ટેશન પર નવનિર્મિત ટ્વિન ઓવર બ્રિજ સંખ્યા ૦૧ (૪) પાલનપુર સ્ટેશન પર યાર્ડમાં નવનિર્મિત રાહદારીઓ માટેના સબ-વેનું ઇ-લોકાર્પણ કરાયું હતું. કુલ રૂ. ૧૫૧.૨૭ કરોડનો ખર્ચ કેંદ્ર અને રાજ્ય એ મળીને ઉપરોક્ત કામો માટે કર્યો છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રેલમાર્ગ અને હાઇવે વધુ સુગમ બન્યા છે,જેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.

આ પ્રસંગે કેંદ્રીય રેલવે અને કપડાં રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રીશ્રીની કલ્પના મુજબ ભારતીય રેલનું સંપૂર્ણપણે નવીનીકરણ કરાઇ રહ્યું છે. ગુજરાતમાં ૨૧૫ કિ.મી.ની રેલવે લાઇનોના ગેજ બદલવામાં આવ્યા છે. ભાવનગર અને રાજકોટના રેલવે સ્ટેશનો એરપોર્ટ જેવાં બનાવાયાં છે.

રેલ મંત્રાલયની કામગીરીનો ચિતાર આપતા તેમણે ઉમેર્યું હતું કે,વિકાસના કામ સાથે ઘણા લોકોને રોજી-રોટી મળે છે. ટ્રેઇનમાં સ્વચ્છ્તા સાથે બાયો ટોયલેટ, ઇલેક્ટ્રિફિકેશન,કેબલિંગ,બ્યુટિફિકેશનનું કામ પણ ચાલી રહ્યું છે.નવાં ૧૦૦ કાર્ગો ટર્મિનલ બનવાના છે. ૯૦૦૦ મેગાવોટના એન્જિનો બનવાના છે.

બુલેટ ટ્રેઇનનું કામ ૯ કિ.મી.ની ગતિએ ચાલી રહ્યું છે. દેશભરમાં બીજી નવી ૫૬ ટ્રેઇનો શરૂ થવાની છે.૪૦૦ જેટલી વંદેભારત ટ્રેઇન બનવાની છે. વડોદરામાં રેલવે યુનિવર્સિટી તૈયાર થઇ રહી છે. વિકાસના હૉલિસ્ટિક એપ્રોચ સાથે પીપીપી મૉડેલ પર રેલવે સ્ટેશનો આધુનિક બનાવાઇ રહ્યા છે.

વિકાસના કામમાં ઝ્ડપ આવે તે હેતુથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આપેલું ગતિશક્તિ મોડેલ આખી દુનિયામાં સૌ પ્રથમ છે. ૯ જેટલાં વિવિધ મંત્રાલયો એક સાથે કામ કરી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવમાં અને અમૃત બજેટ થકી અનેક વિકાસના કામો ભારત સરકાર કરી રહી છે.

આ અવસરે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજનો જમાનો ઝડપનો છે. કોઇને ફાટક ઉપર ઊભું રહેવું ગમતું નથી.વેપાર,શિક્ષણ કે કોઇપણ કામ-ધંધે બહાર જતા નાગરિકોના રેલ,સડકના ટ્રાફિક નિવારણ માટે માસ ટ્રાંસ્પોર્ટેશન અનિવાર્ય છે. કેંદ્ર અને રાજ્યની ૫૦ -૫૦ ટકાની ભાગીદારીથી અનેક વિકાસ કામો વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેંદ્રભાઇના નેતૃત્વમાં કરાઇ  રહ્યા છે.

તેમણે ભારત સરકારશ્રી દ્વારા” ફાટક મુક્ત અભિયાન અંતર્ગત” ડી.એફ.સી.સી. પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ – પાલનપુર – દિલ્હી સુધીના રેલવે ક્રોસીંગ પર આર.ઓ.બી. / આર.યુ.બી. ના બાંધકામને મંજુરી આપવામાં આવી છે એની જાણકારી આપી હતી.

રાજ્ય ધોરીમાર્ગ મહેસાણાથી પાલનપુર રસ્તાને ચારમાર્ગીયમાંથી છમાર્ગીય પહોળો કરવાની કામગીરી માટે અનુક્રમે, મહેસાણાથી સિધ્ધપુર – રૂ.૨૨૯.૫૦ કરોડ (૨) સિધ્ધપુર થી પાલનપુર – રૂ.૨૧૫.૧૦ કરોડની મંજુરી આપવામાં આવી છે.આ રસ્તાની કામગીરી પુર્ણ થવામાં છે.

મહેસાણા શહેરના મોઢેરા ચાર રસ્તાના જંકશન પર ટ્રાફિકનું ભારણ ખુબ જ વધારે રહેતું હોવાથી ગુજરાત સરકારશ્રી દ્વારા રૂ.૧૧૧.૩૦ કરોડના ખર્ચે અન્ડર પાસ બનાવવાનું કામ હાલ પુર્ણ થવામાં છે.

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક એવુ પાલનપુર શહેર ખાતેનું એરોમા સર્કલ પર અમદાવાદથી કંડલા તથા રાજસ્થાન તરફ જતો વાહન વ્યવહાર ખુબ જ વધારે હોવાથી ટ્રાફિક રહેતો હતો. જેના માટે ગુજરાત સરકારે પાલનપુર શહેરની ફરતે ચારમાર્ગીય પહોળો બાયપાસ રૂ.૩૮૦.૦૦ કરોડના ખર્ચે કિ.મી. ૨૪.૮૧ લંબાઈનો બનાવવાની મંજુરી આપી છે,

જે બાયપાસ અમદાવાદ – પાલનપુર હાઈવે પરના જગાણા ગામ પાસેથી પાલનપુર આબુ હાઈવે પરના ખેમાણા ગામ પાસે જોડાશે. પાલનપુર શહેરની ફરતે બાયપાસ બનવાથી ટ્રાફિકનું ભારણ હળવું થશે તેમજ પાલનપુર શહેરનો વિકાસ વેગ પકડશે.

મહેસાણા જિલ્લામાં હયાત કલેકટર કચેરી બદલે નવીન કલેકટર કચેરી બનાવવા માટે રૂ .૪૦ કરોડની મંજુરી આપવામાં આવી છે. મહેસાણા જિલ્લાનો નવીન તાલુકો જોટાણા બનેલ હોઈ આ નવ રચિત જોટાણા તાલુકા મુકામે તાલુકા સેવા સદન બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગે રૂ.૧૫.૧૧ કરોડની મંજુરી આપી છે.

મહેસાણા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય તેમજ પંચાયત હસ્તકના છેલ્લા ત્રણ વર્ષમાં રસ્તા તથા પુલોના કુલ રૂ.૧૦૨૩.૦૪ કરોડના કુલ ૭૭૦ કામો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ રૂ. ૩૦૧.૧૦ કરોડના ખર્ચે ૩૦૪ કામો પુર્ણ કરેલ છે. તથા કુલ રૂ.૨૮૨.૪૭ કરોડના ૧૯૮ કામો પ્રગતિ હેઠળ છે. જે ટુંક સમયમાં પુર્ણ થનાર છે. અને ૨૮૬ કામો અંકે રૂ.૫૨૨.૦૮ કરોડના ટુંક સમયમાં શરૂ થનાર છે.

ઉત્તર ગુજરાતના હાર્દ સમાન મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાની ગુજરાત સરકારે ચિંતા કરી સૌનો સાથ ,સૌનો વિકાસ થકી વિવિધ યોજનાઓ હેઠળ વિવિધ કામો મંજુર કરી, આ જિલ્લાઓના ઔદ્યોગિક, ખેતીવાડી, યાત્રાધામો, પ્રવાસન સ્થળોના વિકાસને વેગ આપ્યો છે,એમ તેમણે અંતમાં કહ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન દિલ્હીના ડી.એફ.સી.ના એમ.ડી. શ્રી આર.કે.જૈને કર્યું હતું. આ તકે રેલવે અને કપડાં રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશનું અને મહાનુભાવોનું સ્મૃતિ ચિહન આપીને અભિવાદન કરાયું હતું.

આ વેળાએ પૂર્વ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, રાજ્ય સભા અને લોકસભાના સાંસદશ્રીઓ ,વિવિધ પદાધિકારીઓ અને રેલવેના તથા ડી.એફ.સી.ના અધિકારીઓ,મહેસાણા જિલ્લાના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.