સેનાના જવાનો માટે 40000 બુલેટ પ્રૂફ જેકેટ મોકલી અપાયા
શ્રી નગર, ભારતીય સેનાને પહેલી વખત દેશમાં જ બનેલા સ્વદેશી બૂલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવ્યા છે. કાશ્મીરમાં આતંકવાદીઓ સામે તૈનાત જવાનોને 40000 સ્વદેશી બૂલેટ પ્રુફ જેકેટ મોકલી અપાયા છે. આ જેકેટ બનાવનાર કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે, આમ તો આખો ઓર્ડર પુરો કરવા માટેની ડેડલાઈન 2021ની છે પણ તે પહેલા જ 2020 સુધીમાં કંપની તમામ જેકેટ બનાવીને મોકલી આપશે.
આ જેકેટ એકે 47ની ગોળીઓનો વાર પણ ઝીલી શકે છે. એટલુ જ નહી હાર્ડ સ્ટિલમાંથી બનેલી ગોળીઓને રોકવાની પણ તેનામાં ક્ષમતા છે. 40000 જેકેટની પહેલી ખેપ કાનપુરના સેનાના શસ્ત્રાગારમાં પહોંચાડી દેવાઈ છે. જ્યાંથી તેને કાશ્મીર મોકલવા માટે કવાયત હાથ ધરાઈ છે. સ્વદેશી જેકેટ માટે સરકારે દેશની જ કંપની સાથે 639 કરોડ રુપિયાનો સોદો કર્યો છે. આ કંપની કુલ 1.86 લાખ જેકેટ પુરા પાડવાની છે. સરકારે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઘરઆંગણે જેકેટ બનાવવાનુ નક્કી કર્યુ છે. આ જેકેટ બોરોન કાર્બાઈડ સિરામિકમાંથી તૈયાર કરાયુ છે.જે સુરક્ષાને લઈને સૌથી હળવુ અને સૌથી સારૂ મટિરિયલ છે.જેનાથી જવાનોને 360 ડિગ્રી એંગલથી સુરક્ષા મળશે.પહેરવામાં પણ આ જેકેટ આસાન છે.