Western Times News

Gujarati News

નડીઆદ તથા ટુંડેલ ગામે ૮મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

નડિયાદ શહેરના વોર્ડ નં.૧,૩,૪,૫ અને ૬ ના નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો

ટુંડેલ ગામ ખાતે ટુંડેલ, પીપલગ, ડુમરાલ, કેરીઆવી, પીપળાતા અને આખડોલ ગામોના નાગરિકોએ લાભ લીધો

સેવા સેતુના માધ્યમથી પ્રજાને ઘરે બેઠા સરકારી સેવાઓ મળી રહી છે જેનો મહત્તમ લાભ લેવો જોઇએ – વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ

નડિયાદ ખાતે શહેરના વોર્ડ નં. ૧, ૩, ૪,૫ અને ૬ ના નાગરિકો માટે પ્રગતિ નગર પ્રાથમિક શાળા ખાતે તથા ટુંડેલ ગામે પ્રાથમિક શાળા ખાતે ટુંડેલ, પીપલગ, ડુમરાલ, કેરીઆવી, પીપળાતા અને આખડોલ ગામના નાગરિકો માટે ૮મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યું કે નાગરિકોને જરૂરી તમામ સરકારી સવાઓ તેઓના ઘર આંગણે મળી રહે તે માટે સરકાર પ્રતિબધ્ધ છે. છેવાડના માનવી સુધી સરકારી યોજનાઓનો અને વિકાસના લાભો આપવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવે છે.

શહેર તથા ગામના તમામ જરૂરીયાતમંદ નાગરિકોને તેઓની જરૂરીયાત મુજબની સરકારી સેવાઓનો મહત્તમ લાભ લેવો જોઇએ. તેઓશ્રીએ જરૂરતમંદ તમામ ગ્રામજનોને સરકારી લાભો મળે અને કોઇ ગ્રામજન સરકારી યોજનાના લાભથી વંચિત રહી ન જાય તે જેવા સરપંચશ્રી તથા સભ્યોને અનુરોધ કર્યો હતો. સૌએ સાથે મળી શહેર અને ગામનો વિકાસ કરવા તેઓશ્રીએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહેસુલ વિભાગની મોટા ભાગની સેવાઓ, આરોગ્યને લગતી સેવાઓ, સમાજ કલ્યાણ, રોજગાર કચેરી, નગરપાલિકા અને ગ્રામ પંચાયત વિભાગ જેવી મહત્વના વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં દંડકશ્રી પંકજભાઇ દેસાઇ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

નડિયાદ શહેરના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રંજનબેન વાઘેલા, નગરપાલિકાના સભ્યશ્રીઓ, સીટી મામલતદારશ્રી, આરોગ્યના ઓફિસરશ્રી તથા શહેરીજનો જયારે ટુંડેલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી, ગામના સરપંચશ્રી, સભ્યો, ગ્રામ્ય મામલતદારશ્રી આરોગ્ય હેલ્થ ઓફિસરશ્રી નાયક સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.