સ્વિગી ૧૮ મહિનાઓમાં ત્રણ લાખ લોકોને રોજગાર આપશે
બેંગલોર, ફુડ ડિલિવરી સ્ટાર્ટ અપ સ્વિગી બ્લુકોલર જાબ (શારરિક શ્રમવાળી નોકરી) આપવાના મામલે દેશની સૌથી મોટી ખાનગી કંપની બની શકે છે. કંપની આગામી ૧૮ મહિનામાં ત્રણ લાખ ડિલિવરી એક્ઝિક્યુટીવ નોકરી આપવાની તૈયારીમાં છે. ત્યારબાદ કંપનીમાં કામ કરનાર તેમની સંખ્યા પાંચ લાખથી વધારે થઇ જશે. સ્વિગીના સહ સ્થાપક અને સીઇઓ શ્રીહર્ષ મજેટીએ કંપનીની વાર્ષિક બેઠકમાં કહ્યુ હતુ કે જો અમારા કેટલાક વધારે ગ્રોથ અંદાજ જારી રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે અમે સેના અને રેલવે બાદ દેશમાં સૌથી વધારે નોકરી આપનાર ત્રીજી સૌથી મોટી કંપની બની જઇશુ. ભારતીય સેનામાં ૧૨.૫ લાખ જવાનો છે. જ્યારે માર્ચ ૨૦૧૮ સુધી રેલવેમાં ૧૨ લાખ કરતા વધારે સ્ટાફની હાજરી હતી.
આઇટીની મહાકાય કંપની ટીસીએસમાં ૪.૫ લાખ કર્મચારીઓ છે. આ કંપની હાલમાં ખાનગી ક્ષેત્રની નોકરી આપવાના મામલે સૌથી મોટી કંપની છે. જેમાં મોટા ભાગે એન્જિનિયર કામ કરે છે. આ ત્રણ કર્મચારીઓને સ્થાયી નોકરી આપે છે. જ્યારે બ્લુ કોલર જાબ હેઠળ સ્વિગી ડિલિવરી કર્મચારીઓને તેમના કામના આધાર પર પૈસાની ચુકવણી કરે છે. હાલમાં સ્વિગીમાં ૨.૧ લાખ માસિક ડિલિવરી સ્ટાફ છે. જ્યારે આઠ હજાર કોર્પોરેટ કર્મચારી પે રોલ પર છે.
પે રોલ પર નહીં હોવાના કારણે ડિલિવરી સ્ટાફને પીએફ જેવા ફાયદા મળતા નથી પરંતુ સ્વિગીમાં એક્ટિવ ડિલિવરી પાર્ટનર તેમને માનવામાં આવે છે. સ્વિગી ભારતમાં ટુંકા ગાળામાં જ ૫૦૦ શહેરોમાં પોતાના નેટવર્કને ફેલાવી ચુકી છે. ૯૯ ટકા ગ્રાહકો સુધી ૧૦ મિનિટમાં પહોંચી જવા માટે લક્ષ્ય રાખવામાં આવ્યા છે.