Western Times News

Gujarati News

બેડમિન્ટનમાં ભારતે ઈન્ડોનેશિયન ટીમને હરાવી થોમસ કપ જીત્યો

ભારત છઠ્ઠી ટીમ છે, જેણે આ ટુર્નામેન્ટ જીતી છે:  ભારતીય ટીમે મલેશિયા અને ડેનમાર્ક જેવી ટીમોને હરાવી પ્રથમવાર ફાઈનલમાં જગ્યા બનાવી હતી

(એજન્સી) નવી દિલ્હી, ભારતીય બેડમિન્ટન ટીમે પ્રથમ વખત થોમસ ટ્રોફી જીતી ઈતિહાસ રચી દીધો છે. રવિવારે યોજાયેલી થોમસ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ૧૪ વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડોનેશિયાને ૩-૦થી માત આપી થોમસ કપ પર ભવ્ય વિજય હાંસલ કર્યો હતો.

ફાઈનલ મેચમાં હારનારી ઈન્ડોનેશિયાની ટીમ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી. પણ ભારતે વર્લ્ડ ચેમ્પ ચેમ્પિયનશીપ મેડલ વિજેતા લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને વિશ્વમાં નંબર ૮ ડબલ્સ જાેડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી સાથે યાદગાર પ્રદર્શન કર્યું હતું અને ભારતીય ફેન્સને ગર્વની તક આપી હતી.

આ સાથે જ રમતગમત મંત્રાલય તરફથી થોમસ કપ વિજેતા ટીમને ૧ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી.

કેન્દ્રિય સ્પોટ્‌સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે પણ ટીમના તમામ ખેલાડીઓને થોમસ કપની ફાઈનલમાં શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે. નોકઆઉટ સ્ટેજમાં લય હાંસલ કરવા માટે ઝઝૂમી રહેલાં લક્ષ્ય સેને મહત્વપુર્ણ મેચોમાં આશા અનુસાર પ્રદર્શન કરતાં પ્રથમ મેચમાં હારનો સામનો કર્યાં બાદ શાનદાર વાપસી કરતાં દુનિયાના પાંચમા નંબરના ખેલાડી એન્થોની સિનિસુકા ગિનટિંગને ૮-૨૧ ૨૧-૧૭ ૨૧-૧૬થી હરાવીને ભારતને ૧-૦ની લીડ અપાવી હતી.

દેશની સૌથી શ્રેષ્ઠ ડબલ જાેડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પ્રતિકૂળ પરિસ્થિતિમાં શાનદાર વાપસી કરતાં બીજી મેચમાં ચાર પોઈન્ટ બચાવ્યા અને મોહમ્મદ હસન અને કેવિન સંજય સુકામુલ્ઝોની જાેડીને ૧૮-૨૧ ૨૩-૨૧ ૨૧-૧૯થી હરાવીને ભારતની લીડને ૨-૦ કરી દીધી હતી.

બીજા સિંગલમાં શાનદાર પ્રદર્શન કરતાં શ્રીકાંતે એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જાેનાથન ક્રિસ્ટીને મેચમાં ૪૮ મિનિટમાં ૨૧-૧૫ ૨૩-૨૧થી હરાવીને ભારતને ૩-૦ની લીડ અપાવી શાનદાર જીત અપાવી હતી. થોમસ કપના ૭૩ વર્ષના ઈતિહાસમાં ભારતીય ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની છે.

આ ટુર્નામેન્ટ ૧૯૪૯થી રમાઈ રહી છે, પણ અત્યાર સુધી ઈન્ડોનેશિયા, ચીન, ડેનમાર્ક અને મલેશિયા જેવી ટીમોનો જ આ ટુર્નામેન્ટમાં દબદબો હતો. ભારત છઠ્ઠી ટીમ છે, જેણે આ ટુર્નામેન્ટ જીતી છે. ભારતીય ટીમે મલેશિયા અને ડેનમાર્ક જેવી ટીમોને હરાવીને પ્રથમવાર ફાઈનલમાં જગ્યા બનાવવી હતી.

પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પણ ભારતીય બેડમિન્ટન ટીમને શુભકામના પાઠવી હતી. પાંચ મેચોની ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ ૩ મેચો જીતી લીધી હતી. જેના કારણે બીજી બે મેચો રમવાનો વારો જ આવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, થોમસ કપના ૪૩ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત સેમિફાઈનલ સુધી પહોંચ્યું હતું.

આ અગાઉ ૧૯૫૨, ૧૯૫૫ અને ૧૯૭૯માં ભારતીય ટીમ થોમસ કપના સેમિફાઈનલમાં પહોંચી હતી. સેમિફાઈનલમાં ડેન્માર્કને ૩-૨થી હરાવી ૭૩ વર્ષના ઈતિહાસમાં ભારત પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ્યું હતું. થોમસ કપમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.